Site icon Revoi.in

ગેંગસ્ટર છોટા શકીલના સાથીદારની 25 વર્ષ બાદ હત્યા કેસમાં ધરપકડ

Social Share

દિલ્હી: ભાગેડુ ગેંગસ્ટર છોટા શકીલના કથિત સહયોગીની 25 વર્ષ બાદ હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લઈક મોહમ્મદ ફિદા હુસૈન શેખ (50)ને ગુરુવારે પાયધોની પોલીસની ટીમે થાણે રેલ્વે સ્ટેશન નજીકથી પકડ્યો હતો. ઘટના સમયે તે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું, “હુસૈન શેખ, જે છોટા શકીલ ગેંગ માટે કામ કરતો હતો. તેના સાથીઓએ 1997માં છોટા રાજન ગેંગના સભ્યની ગોળી મારીને હત્યા કરી હતી. કોર્ટે તેને આ કેસમાં ફરાર જાહેર કર્યો હતો. અમને માહિતી મળી કે તે થાણેના મુંબ્રામાં રહેતો હતો અને અમે તેને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

શુક્રવારે સ્પેશિયલ CBI કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને ટ્રેડ યુનિયનના નેતા ડૉ. દત્તા સામંતની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે હત્યાનું આયોજન છોટા રાજન દ્વારા કરવામાં આવ્યું હતું.

મુંબઈના ટ્રેડ યુનિયનના નેતા ડૉ. દત્તા સામંતની 16 જાન્યુઆરી 1997ના રોજ તેમના ઘરની સામે 17 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે તે પોતાની ટાટા સુમોમાં ઘાટકોપર ખાતેની ઓફિસ જઈ રહ્યો હતો. સામંતને નજીકના અનિકેત નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.