Site icon Revoi.in

ગુજરાતના અખબારી આલમના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ગૌત્તમભાઈ મહેતાનું નિધન

Social Share

અમદાવાદઃ ગુજરાતના અખબારી આલમમાં ફોટોગ્રાફીમાં માસ્ટર ગણાતા ફોટોજર્નાલિસ્ટ ગૌત્તમભાઈ મહેતાનું હાર્ટએટેકથી નિધન થતા અખબારી આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યનું જાણીતુ ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ગૌત્તમભાઈને શ્રદ્ધાંજલી પાઠવીને ભગવાન તેમના પરિવારને દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.

ગૌત્તમભાઈ મહેતાનો 14મી ડિસેમ્બર 1952માં જન્મ થયો હતો. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં રિપોર્ટર તરીકે જોડાઈને મીડિયા જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા ગૌત્તમભાઈએ લગભગ વર્ષ 1999-2000માં અગ્રણી ન્યૂઝ પેપર ગુજરાત સમાચારમાં ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોઈ પણ મોટી ઘટના સર્જાય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થાય તે પહેલા ગૌત્તમભાઈને જાણ થઈ જતી હતી. તેમના પોલીસ ઉપરાંત તમામ વિભાગમાં અધિકારીઓ-કર્મચારીઓ સાથે સારા સંબંધ હતા. પોતાના કામને સમર્પિત ગૌત્તમભાઈ મોટા ન્યૂઝ મેળે તો અડધી રાતે પણ ફોટોગ્રાફી માટે પહોંચી જતા હતા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અખબારમાં એક યશસ્વી ક્રાઈમ રિપોર્ટર તરીકે નામના અને ઈનામ મેળવનારા ગૌત્તમ મહેતાએ તસવીરકાર તરીકે એથી ય મોટી નામના મેળવી હતી.

ગૌત્તમભાઈના ભત્રીજા નીલકંઠ મહેતાએ જણાવ્યું હતું કે, ગૌત્તમભાઈ મહેતા બહેન રેશ્મા મહેતાની નજીક હતા. જો કે, ઉંમર વધવાની સાથે તેમની તબિયત ઘણા સમયથી સારી ન હતી. તેમની યાદ શક્તિ પણ ઘટી હતી. જેથી તેમને છેલ્લા કેટલાક મહિનાઓથી આણંદના એક કેર સેન્ટરમાં રાખવામાં આવ્યાં હતા. અહીં જ તેમની સારવાર ચાલતી હતી. દરમિયાન આજે સવારે હાર્ટ એટેકમાં તેમનું નિધન થયું હતું.

ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ કરણસિંહ પરમારે પણ ગૌત્તમભાઈ મહેતાના નિઘન અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત એસોશિએશનના અન્ય સભ્યોએ પણ ગૌત્તમભાઈ જેવા વડીલ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.