Site icon Revoi.in

લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ જોડાયા પણ રિઝર્વેશનને લીધે જુલાઈ સુધી જગ્યા નહીં મળે

Social Share

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસો ઘટી જતા રેલવે બોર્ડે લાંબા અંતરની ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચમાં રિઝર્વેશન વગર જનરલ ટિકિટ લઈને લોકોને મુસાફરી કરવાની છૂટ આપી છે. રેલવે બોર્ડના આદેશ મુજબ રિઝર્વેશન વગર જનરલ કોચ સાથે કોરોના પહેલાની સ્થિતિ મુજબ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પરંતુ પેસેન્જરોએ જનરલ કોચની સુવિધાનો લાભ લેવા માટે જુલાઈ સુધીની રાહ જોવી પડશે. ઉનાળુ વેકેશન દરમિયાન મોટાભાગની ટ્રેનોમાં લોકોએ એડવાન્સ બુકિંગના 120 દિવસના નિયમ મુજબ જૂન સુધી ટ્રેનોમાં બુકિંગ કરાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં રેલવે બોર્ડ દ્વારા તમામ સ્પેશિયલ ટ્રેનોને જનરલ ટ્રેન તરીકે દોડાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ટ્રેનોના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચમાં રિઝર્વેશન વગર જનરલ ટિકિટ વાળા પેસેન્જરોને મુસાફરી કરવાની છૂટ મળી ન હતી. જનરલ કોચમાં રિઝર્વેશન વગર મુસાફરી કરવાની છૂટ આપવા અનેક સંગઠનોની સાથે લોકોની માગણીને પગલે રેલવે દ્વારા રિઝર્વેશન વગર જનરલ કોચ સાથે કોરોના પહેલાની સ્થિતિ મુજબ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ટ્રેનોમાં જનરલ કોચ જોડવામાં આવ્યા છે..જે દિવસથી ટ્રેનોમાં રિઝર્વેશન સાથેનું બુકિંગ નહીં હોય ત્યારથી આ નિયમ લાગૂ માનવામાં આવશે. હાલમાં મોટાભાગની ટ્રેનોમાં લોકોએ જૂન સુધીનું રિઝર્વેશન કરાવી લીધું હોવાથી લોકોને આ સુવિધાનો લાભ લેવા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. હોળી-ધૂળેટીના પર્વને પખવાડિયાની વાર છે. તેમજ ઉનાળુ વેકેશન પણ એપ્રિલ-મેથી શરૂ થઈ જશે. ત્યારે પરપ્રાંતના લોકોએ વતન જવા માટે ગુજરાતના લોકોએ ફરવા જવા માટે અગાઉથી ટ્રેનોમાં બુકિંગ કરાવી લીધા છે. એટલે જુલાઈ સુધી મોટાભાગની ટ્રેનોમાં ફુલ બુકિંગ હોવાથી પસેન્જરોને જનરલ કોચની સુવિધાનો લાભ મેળવવા રાહ જોવી પડશે.