Site icon Revoi.in

શાંતિને એક મોકો આપવાની ઈમરાનની કાકલૂદી વચ્ચે પાકિસ્તાને 24 કલાકમાં ત્રણ વખત કર્યો શસ્ત્રવિરામનો ભંગ

Social Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મદીને શાંતિ લાવવાનો એક મોકો આપવાની વાત કહી છે અને તેમણે ભરોસો આપ્યો છે કે તેઓ પોતાના વાયદા પર અટલ રહેશે. ઈમરાન ખાને ભરોસો અપાવ્યો છે કે જો ભારત પુલવામા એટેક પર પાકિસ્તાનને કાર્યવાહી યોગ્ય ગુપ્તચર જાણકારી ઉપલબ્ધ કરાવે છે, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

ઈમરાન ખાનની આ ટીપ્પણી રાજસ્થાનમાં પીએમ મોદીની તાજેતરની રેલી બાદ આવી છે. પીએમ મોદીએ તાજેતરમાં કહ્યુ હતુ કે આતંકવાદ વિરુદ્ધ આખી દુનિયામાં સામાન્ય સંમતિ છે. આતંકવાદના દોષિથોને દંડિત કરવા માટે ભારત મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દર્દને સહન કરવામાં નહીં આવે, અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાનને અભિનંદન આપતી વખતે ટેલિફોનિક વાતચીતને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે મે તેમને કહ્યુ, આવો ગરીબી અને નિરક્ષરતા વિરુદ્ધ લડાઈ લડીએ. તેના પર ઈમરાન ખાને કહ્યુ હતુ કે મોદીજી હું પઠાનનો દીકરો છું, સાચું બોલું છું, સાચું કરું છું. આજે તેમના શબ્દોને કસોટી પર ચકાસવાનો સમય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, પ્રધાનમંત્રી ઈમરાનખાન પોતાના વાયદા પર કાયમ છે કે જો ભારત કાર્યવાહી યોગ્ય ગુપ્ત જાણકારી આપે છે, તો અમે લોકો તાત્કાલિક કાર્યવાહી કરીશું. ઈમરાન ખાને નિવેદનમાં કહ્યુ છેકે વડાપ્રધાન મોદીએ શાંતિને એક તક આપવી જોઈએ.

આ પહેલા 19 ફેબ્રુઆરીએ ઈમરાન ખાને ભારતને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પુલવામા હુમલાના દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરશે, જેને પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો. જો ભારત કાર્યવાહી યોગ્ય ગુપ્ત માહિતીની આપ-લે કરે છે, તો પાકિસ્તાન જરૂરથી કાર્યવાહી કરશે. જોકે તેમણે બદલાની ભાવનાથી કોઈ વળતી કાર્યવાહી શરૂ કરવાની સામે ભારતને પડકાર પણ ફેંક્યો છે. ભારતે કહ્યું છે કે હુમલાની તપાસને લઈને ઈમરાનખાનની પેશકશ બહાનું છે.

પાકિસ્તાનની નાપાક હરકત

જો કે પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાનખાનની શાંતિને એક તક આપવાની કાકલૂદી વચ્ચે પાકિસ્તાનની સેનાએ પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે. પાકિસ્તાને ગત 24 કલાકમાં ત્રણ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને રવિવારે એલઓસી પરની ત્રણ સીમા ચોકીઓ પર બેફામ ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને એલઓસી પરના નૌશેરા સેક્ટર, બટ્ટલ અને ચાકન દા બાગમાં બેફામ ગોળાબાર કર્યો છે. તેનો ભારતીય સેનાએ પણ વળતી કાર્યવાહીમાં જબરદસ્ત જવાબ આપ્યો છે.