Site icon Revoi.in

ગોદરેજ પરિવારમાં વિભાજનની તૈયારી! 20000 કરોડની જમીનનો મામલો

Social Share

ભારતના દિગ્ગજ કારોબારી પરિવાર ગોદરેજમાં ભાગલાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પરિવાર પાસે ઘણી ઈન્ડસ્ટ્રીમાં હિસ્સેદારી સિવાય હજારો કરોડ રૂપિયાની જમીનો છે. તેને મુંબઈના લેંડલોર્ડ કહી શકાય છે, મુંબઈમાં સૌથી વધારે જમીન ગોદરેજ પરિવાર પાસે જ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પરિવારે કારોબારમાં હિસ્સેદારીના પુનર્ગઠન માટે ઘણાં સલાહકારો અને ટોપ લૉ ફર્મની સેવાઓ લીધી છે.

બિઝનસ સ્ટાન્ડર્ડ પ્રમાણે, મુંબઈના વિકરોલીમાં ગોદરેજ પરિવારનો એક હજાર એકરની એક જમીન છે. તેને ડેવલપ કરી શકાય છે. તેની બજાર કિંમત લગભગ વીસ હજાર કરોડ રૂપિયા છે. વિકરોલીમાં ગોદરેજ પરિવારની કુલ 3400 એકર જમીન છે. અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે આ જમીનની વહેંચણી માટે ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન જમશીદ ગોદરેજે જેએમ ફાયનાન્શિયલ સાથે જોડાયેલા દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેંકર નિમેશ કમ્પાની અને એજેબી પાર્ટનર્સના વકીલ જિયા મોદીની સલાહ લઈ રહ્યા છે. તેમના પિતરાઈ ભાઈ અને ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજ તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ બેંકર ઉદય કોટક અને સિરિલ અમરચંદ મંગળદાસ સાથે જોડાયેલા સિરિલ શ્રોફની સલાહ લઈ રહ્યા છે.

વિકરોલીની જમીન પર જો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વિકસિત કરવામાં આવે, તો તેની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા સુધીની થઈ શકે છે. આ વિસ્તારમાં માત્ર જમીનની કિંમત પ્રતિ એકર વીસ કરોડ રૂપિયાની આસપાસ છે.

ઈકોનોમિક ટાઈમ્સ પ્રમાણે, પરિવારમાં ખાસ કરીને એને લઈને કેટલાક મતભેદ છે કે જમીનોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે. જમશીદ ગોદરેજનો પરિવાર ચાહે છે કે જમીન પર ઘણો વધારે રિયલ એસ્ટેટનો વિકાસ કરવામાં આવે નહીં, જ્યારે આદિ અને નાદિર ગોદરેજનો પરિવાર ચાહે છે કે આ જમીન પર રિયલ એસ્ટેટનો ભરપૂર વિકાસ કરવામાં આવે. કંપનીના પ્રવક્તાએ કહ્યુ છે કે આના સંદર્ભે બંને પરિવાર ગુરુવારે એક નિવેદન જાહેર કરશે.

ગોદરેજ સમૂહ 122 વર્ષ જૂનો છે, 1897માં યુવા પારસી વકીલ આર્દેશીર ગોદરેજે એક તાળા કંપનીની સાથે ગોદરેજની શરૂઆત કરી હતી. ગોદરેજ સમૂહમાં પાંચ યાદીબદ્ધ કંપનીઓ છે- ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કંઝ્યૂમર, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એસ્ટેક લાઈફસાઈન્સિઝ. આ તમામની બજાર મૂડી અંદાજે 1.2 લાખ કરોડ રૂપિયાની છે. સમૂહના ચેરમેન આદિ ગોદરેજ છે. આ સમૂહ સાબુથી માંડીને રિયલ એસ્ટેટ સુદીના કારોબારમાં છે.

ગોદરેજ પરિવારમાં ચેરમેન આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર સિવાય પિતરાઈ રિશદ, જમશીદ, સ્મિતા ગોદરેજ છે. આદિના ત્રણ સંતાન તાન્યા, નિસાબા અને પિરોજશા ગોદરેજ છે. નાદિરના પણ ત્રણ સંતાન છે. જમશીદના બે સંતાન રાઈકા અને નવરોજ છે. જ્યારે સ્મિતાના બે સંતાન ફ્રેયાન અને નિરિકા ગોદરેજ છે.