Site icon Revoi.in

ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણ, ડુંગળીની ધૂમ આવક, યાર્ડની બહાર 1500 વાહનોની લાગી લાઈનો

Social Share

ગોંડલ : સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. અને સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની સારી આવક થઈ રહી છે. જેમાં રાજ્યના નંબર વન ગણાતા સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. સોમવારે વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે લસણ અને ડુંગળીની મબલખ આવક થઈ હતી.. ડુંગળીની 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણ 65 હજાર કટ્ટાની આવક થઈ છે. લસણ અને ડુંગળી મબલખ આવકથી યાર્ડ ઉભરાયું હતું. ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી જતા મરચાંના ગ્રાઉન્ડમાં ડુંગળીની આવક ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી લસણ-ડુંગળી આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી અને લસણની આવક સદંતર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તેવો ભાવ બીજે ક્યાંય ખેડૂતો મળતો નથી, અને ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચીને હસતા હસતા જાય છે તેનો અમને આનંદ થાય છે. સોમવારે પણ ડુંગળી અને લસણની હરાજીમાં ખેડૂતો સારા ભાવ મળ્યા હતા. જેમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. તેમજ લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2000 થી 3800 રૂપિયા સુધીના બોલાયા હતા. અને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે. જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પહોંચ્યા છે. અન્ય રાજ્યના વેપારીઓ અહીંના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.