Site icon Revoi.in

સરકારે સીડ ટ્રેસિબિલિટી એપ્લિકેશન લોન્ચ કરી,ખેડૂતોને થશે મોટો ફાયદો

Social Share

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સીડ ટ્રેસિબિલિટી મોબાઇલ એપ લોન્ચ કરી છે, જે વાસ્તવિક બીજને ઓળખવામાં સમર્થ હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોબાઇલ એપના માધ્યમથી વાસ્તવિક બિયારણ વિશેની માહિતી મળશે અને ખેડૂત છેતરપિંડીથી બચી શકશે. કાર્યક્રમમાં તોમરે ગુણ નિયંત્રણ અને ડીએનએ પ્રયોગશાળાનો શુભારંભ પણ કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ખેતીના ક્ષેત્રે બિયારણનું ખૂબ મહત્વ છે,એવામાં બિયારણના ક્ષેત્રમાં કામ કરતા લોકોની ખૂબ જ મહત્વની જવાબદારી હોય છે.

પુસામાં સ્થિત રાષ્ટ્રીય બીજ નિગમના મુખ્યાલય ખાતે આયોજિત આ સમારોહમાં એનએસસીના અધ્યક્ષ કમ મેનેજિંગ ડિરેક્ટર વિનોદ કુમાર ગૌડે ભારત સરકાર માટે લગભગ 9 કરોડ રૂપિયાના લાભાંશનો ચેક કેન્દ્રીય મંત્રીને સોપ્યો હતો. આ પ્રસંગે તોમરે શંકરન દ્વારા સંપાદિત પુસ્તક એનએસસી ‘જર્ની ઇન સર્વિસ ઓફ ફાર્મર્સ’ નામના પુસ્તકનું વિમોચન કર્યું.

કૃષિ મંત્રીએ કહ્યું કે, એનએસસી પાસે ઘણી બધી જમીન છે,જેનો વધુને વધુ ઉપયોગ થવો જોઈએ.એનએસસી ખેડૂતોને નીચા ભાવે ગુણવત્તાયુક્ત બિયારણ પ્રદાન કરી રહી છે, દેશ માટે આ એક મોટું કામ છે,જેને આગળ વધારવું જોઈએ. તેમણે આ દિશામાં પ્રગતિ માટેનો માર્ગદર્શક સૂચન કર્યું.

કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિની શરૂઆત બીજથી થાય છે, તેથી વેરાયટી સીડ્સની વધારે માત્રામાં ખેડૂતોને સસ્તા ભાવે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થવું જોઈએ.

કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે, અનાજની આત્મનિર્ભરતામાં ખેડુતો અને વૈજ્ઞાનિકોની સાથો-સાથે એનએસસીનો પણ મોટો ફાળો છે. તેમણે કહ્યું કે,નવી લેબ અને એપથી ખેડુતોને મોટો ફાયદો થશે.

-દેવાંશી