Site icon Revoi.in

ગુજરાતમાં ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસર બનાવવા માટે સરકાર વટહુક્મ જારી કરે તેવી શક્યતા

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસરની કરવા માટે વિધાનસભામાં ખાસ કાયદો ઘડવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા ઈમ્પેક્ચ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. હવે બીયુ પરમિશન ના હોય તેવી તેમજ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)નો ભંગ કરી ઉભી કરી દેવાયેલી બિલ્ડિંગોને કાયદેસર બનાવવા સરકાર ટુંક સમયમાં વટહુક્મ જારી કરે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત  વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર વટહુકમ લાવવા માગે છે. સરકાર એવું માની રહી છે કે,  85 ટકા ઈમારતોમાં બીયુ પરમિશનની શરતોનો ભંગ થયો છે. જેથી સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે, જેમાં ગેરકાયદે બિલ્ડિંગોના માલિક પાસેથી ઈમ્પેક્ટ ફી વસૂલીને તેને કાયદેસરની માન્યતા પ્રદાન કરાશે. આ વટહુકમ આ મહિનાના અંત સુધીમાં જ લાવી દેવાય તેવી શક્યતા છે. જે-તે શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદાનો ભંગ કરીને ઊભી કરી દેવાયેલી ઈમારતોને કાયદેસર બનાવવા માટે સરકાર આ ત્રીજીવાર કાયદો લાવવા માગે છે. મહાનગરોમાં ઘણીબધી ઈમારતોમાં મંજૂરીથી વધારે અથવા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે. અગાઉ 2001માં આવો કાયદો આવ્યો હતો, ત્યારબાદ 2011માં પણ તેને ફરી લવાયો હતો. જોકે, ત્યારબાદ પણ નિયમો અને કાયદાની ઐસી કી તૈસી કરીને ખોટી રીતે ઈમારતો ઉભી કરી દેવાનું ચલણ રાજ્યમાં અટક્યું નથી. તેવામાં આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સરકાર 11 વર્ષ બાદ ફરી આ પ્રકારનો કાયદો લાવવા જઈ રહી છે, કારણકે સરકારને ડર છે કે જો આ મામલે કડક કાર્યવાહી કરાઈ તો લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઈમ્પેક્ટ ડ્યુટીના નવા કાયદા સાથે બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગોમાં રહેતા કે પછી તેનો વપરાશ કરતા લોકોને તેમજ બિલ્ડિંગમાં વધારાનું કામકાજ કરી દેવાના કારણે ડિમોલિશનની નોટિસ મેળવનારા લોકોને મોટી રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકારને કડક પગલાં લેવા માટે આદેશ આપ્યો હતો. જોકે, રાજ્યમાં 85 ટકા જેટલી ઈમારતોમાં નિયમોનો ભંગ થયો હોવાનું ખુદ સરકારે કબૂલ્યું છે ત્યારે ચૂંટણીના વર્ષમાં સત્તાધીશો આ બાબતે કડક કાર્યવાહી કરવાનું રિસ્ક લેવાના મૂડમાં નથી.
સૂત્રોના કહેવા મુજબ શહેરી વિકાસ અને શહેરી બાંધકામ વિભાગે સમગ્ર રાજ્યોમાં આવી બિલ્ડિંગોનો સર્વે કર્યો છે, જેમાં બહાર આવ્યું હતું કે 85 ટકા ઈમારતોમાં બીયુ પરમિશનના નિયમોનો ભંગ થયો છે.