અમદાવાદ : દેશના વડાપ્રધાનનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જેથી દેશભરમાં તેમના ચાહકો તેમનો જન્મદિવસ મનાવતા હોય છે. ગુજરાત ભાજપ દ્વારા પણ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. તેમના જન્મ દિવસે જ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 બાળકોની ગુજરાત ભાજપ દ્વારા ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવશે. તેમજ ગુજરાતના 7100 ગામોના રામ મંદિરોમાં રામધૂનના કાર્યક્રમો યોજાશે, તેવું પ્રદેશ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 17 સપ્ટે મ્બરના રોજ વડાપ્રધાન મોદી 71 વર્ષના થશે. ગત વર્ષે પણ તેમના જન્મદિવસે ભાજપ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ, ગરીબ બાળકોને પુસ્તકોનું વિતરણ જેવા સેવાકિય કાર્યો કરીને તેમનો જન્મદિવસ મનાવામાં આવ્યો હતો. જોકે આ વર્ષે 71 બાળકોની હાર્ટ સર્જરી કરીને તેમને નવું જીવનદાન મળશે જે સૌથી મોટી વાત કહી શકાય. આ વર્ષે વડાપ્રધાન મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક અનોખો કાર્યક્રમ કરવાની તૈયારીમાં છે. ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદીના જન્મદિવસે ગુજરાતના 7100 ગામડાઓમાં ‘રામધૂન કાર્યક્રમ’ યોજવામાં આવશે. જેના અંતર્ગત સાંજના 7 વાગ્યે ગામડાઓમાં રામધૂનનો સાદ ગુંજશે.
ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 71માં જન્મદિને 7100 ગામોમાં રામધૂનના કાર્યક્રમો યોજાશે
