Site icon Revoi.in

Gujarat Elections 2022: હવે પાટીદાર આંદોલનના નેતાઓ ચૂંટણી લડશે, PAAS ની મોટી જાહેરાત

Social Share

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ આજે પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે તેવી ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે. પરંતુ ક્યાંથી લડશે, કેવી રીતે લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે. હાલના પ્રાથમિક તબક્કે 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઊમેદવારી કરશે.

PAAS દ્વારા આજે રવિવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો જોડાયા છે.

આમ આદમી પાર્ટીના મુખિયા કેજરીવાલના સતત ગુજરાત આગમનથી ચૂંટણીનો માહોલ રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે. સમય પહેલા જ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ ત્રણ પાર્ટીઓનો રાજકીય થનગનાટ જોવા મળઈ રહ્યો છે. આવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાની એક જાહેરાતથી માહોલ જામ્યો છે.