Site icon Revoi.in

સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે ગુજરાત મોકાનું સ્થાન : મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં સૌ પ્રથમ વખત યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સમાં   મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે  ગુજરાત મોકાનું સ્થાન બની ગયું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડીયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું હેડ ક્વાર્ટર અમદાવાદને આપ્યું છે. આ સંસ્થા સિંગલ વિન્ડો, ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોડલ એજન્સી તરીકે કામ કરી રહી છે, તેનાથી પ્રાઇવેટ સ્પેસ સેક્ટર ઇકોનોમીને મોટું બળ મળી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું.  આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે રાજ્ય સરકાર અને ઇન-સ્પેસ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. બોપલમાં ઇન-સ્પેસના હેડ ક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. ઇન-સ્પેસ સંસ્થા સ્પેસ ટેકનોલોજીને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પુરું પાડશે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ‘હ્યુમન્સ ઈન સ્પેસ’ની રેસ નહીં પરંતુ ‘સ્પેસ ફોર હ્યુમનકાઇન્ડ’ની નીતિ દેશને આપી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રિમ સ્થાન હાંસલ કરવા આગળ વધી રહ્યું છે. ભારતના સ્પેસ સેક્ટરમાં ઇસરોનું મહત્વપૂર્ણ અને સૌથી મોટું યોગદાન છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ઇસરોના ચંદ્રયાન અને આદિત્ય એલ-1 મિશનની સફળતા તેમજ ગગનયાન, ભારતીય આંતરિક સ્ટેશન, જેવા આગામી મિશનનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઇસરોની કામગીરીને પરિણામે સ્પેસ સંબંધિત એમ.એસ.એમ.ઇ. ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધી સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે કામ કરતી હતી. સ્પેસ સેક્ટરના વિકાસને જોતા આ ક્ષેત્રમાં હવે પ્રાઇવેટ પ્લેયર્સની પણ ભાગીદારી વધે તેમજ ડેડિકેટેડ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ વિકસે તે આવશ્યક બન્યું છે.તેમણે ઉમેર્યું કે, 2020માં વડાપ્રધાનના નેતૃત્વની યુનિયન કેબિનેટે ભારતના પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ માટે સ્પેસ સેક્ટર ખુલ્લું મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તેના પરિણામે ભારત હવે વિશ્વના અન્ય દેશોની હરોળમાં આવીને અવકાશ તરફ મીટ માંડતું થયું છે.

ઈસરોના ચેરમેન  એસ.સોમનાથે જણાવ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રગતિનો હેતુ રાષ્ટ્રની લાંબા ગાળાની સમૃદ્ધિ માટે છે. અંતરિક્ષની સિદ્ધિઓ થકી આપણે દેશની સમૃદ્ધિ વધારવાની દિશામાં આગળ વધવાનું છે. વડાપ્રધાનનું આ દિશામાં પ્રેરક સમર્થન હંમેશાં મળતું રહે છે. આપણે માનવયુક્ત યાન થકી માનવીને અંતરિક્ષમાં મોકલવા અને વર્ષ 2040 સુધીમાં આપણું સ્પેસ સ્ટેશન બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.