Site icon Revoi.in

ગુજરાતમાં 20 સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન નથી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આરોગ્ય પાછળ દર વર્ષો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવે છે. જો કે, રાજ્યમાં 20 જેટલી સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને 28 જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન નહીં હોવાનું જાણવા મળે છે. ગ્રામ્ય કક્ષાએ સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગુજરાત વિધાનસભામાં સરકારી હોસ્પિટલો અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, કચ્છ, બોટાદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં એક પણ સિટી સ્કેન મશીન નથી. જ્યારે જૂનાગઢ, પોરબંદર, ખેડા, મોરબી, ભાવનગર, સુરત, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, દાહોદ અને પાટણ જિલ્લામાં એક-એક સીટી સ્કેન મશીન છે. જ્યારે 20 જેટલી મોટી સરકારી હોસ્પિટલોમાં આ સુવિધા નથી. આ ઉપરાંત રાજ્યની 28 જિલ્લા હોસ્પિટલોમાં એમઆરઆઈ મશીન નથી.

દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોતનો મુદ્દો ગુંજ્યો હતો. અમદાવાદ સિવિલમાં પાછલા બે વર્ષમાં 21,920 દર્દીનાં મૃત્યુ થયા છે. જેમાં કોરોના સંક્રમણના લીધે 970 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બીમારીથી 20950 દર્દીના મોત થયા. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલમાં મોતના ઉંચા આંકડાને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.