Site icon Revoi.in

ગુજરાતઃ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના પાકમાં 8 ટકા જેટલો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, અંતિમ રાઉન્ડમાં વરસાદ ધોધમાર વરસતા ખેતરમાં ઉભેલા પાકને નવુ જીવતદાન મળ્યું હતું. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના પાકમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગયા વર્ષે 35 ટનથી વધારે મગફળીનું ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે આ આંકડો 38 લાખ ટનને વટાવી લે તેવી શકયતાઓ છે. આમ મગફળીના પાકમાં 8 ટકાનો વધારો થવાની શકયતા છે.

સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર એસોસિએશન(એસઇએ) આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસામાં ખેડૂતોએ લગભગ 1.55 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શકયતા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું હતું. છેલ્લા કેટલાક સમયથી સોયાબીનના ઉત્પાદન તરફ ખેડૂતો વળ્યાં છે. જેથી સોયાબનની સરખામણીએ મગફળીનું વાવેતર ઓછું થયું છે. ગુજરાતમાં મગફળીના બમ્પર ઉત્પાદનના કારણે અનેક માર્કેટયાર્ડમાં મગફળીની આયાત થઈ રહી છે. બીજી તરફ સરકારે પણ ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં તેના માટેની નોંધણીની કવાયત શરૂ કરવામાં આવી છે. સરકાર ખેડૂતો પાસેથી મગફળી ઉપરાંત અન્ય પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.