Site icon Revoi.in

યુક્રેનમાં તબીબી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ NMCની માર્ગદર્શિકાને લીધે મુશ્કેલીમાં મુકાયા

Social Share

અમદાવાદઃ યુક્રેનમાં તબીબીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ ભારતમાં ઈન્ટર્નશિપ માટેની પરીક્ષા પણ પાસ કરી દીધી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલની તમામ શરતો પૂર્ણ કરી હોવા છતાંયે એક વર્ષની ઈન્ટર્નશિપને બદલે ત્રણ વર્ષની ઈન્ટર્નશિપ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી ગુજરાતના 200 જેટલાં વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

તબીબીના વિદ્યાર્થીઓના કહેવા મુજબ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરુ થયુ તે પછી નેશનલ મેડિકલ કાઉન્સિલે વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન અભ્યાસને લઈને એક ગાઈડ લાઈન બહાર પાડી હતી.આ ગાઈડ લાઈનના કારણે  યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનારા ગુજરાતના 200 જેટલા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. કારણ કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઈન્ટર્નશિપના સમયગાળાને લઈને નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈનનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. આ અગે વિદ્યાર્થીઓએ ગુજરાત મેડિકલ કાઉન્સિલને રજુઆતો પણ કરી છે.

યુક્રેનમાં અભ્યાસ પૂર્ણ કરેલા તબીબી વિદ્યાર્થીએ કહ્યું હતું કે, વર્ષ 2022 માં યુક્રેન અને રશિયા વચ્ચે જંગની શરુઆત થઈ ત્યારે ઘણાબધા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં પાંચમા વર્ષમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓને યુધ્ધના કારણે ભારત પરત ફરવાની ફરજ પડી હતી.આ દરમિયાન નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે,  વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ કોરોના કે પછી યુધ્ધના કારણે પાંચમા વર્ષમાં અને છઠ્ઠા વર્ષમાં ઓનલાઈન અભ્યાસ કર્યો હશે તેમણે ભારત પાછા ફરીને ત્રણ વર્ષની અને જેમણે છઠ્ઠા એટલે કે છેલ્લા વર્ષમાં ઓફલાઈન અભ્યાસ કર્યો હશે તેમણે  એક વર્ષની ઈન્ટર્નશિપ કરવાની રહેશે. આથી ત્રણ વર્ષ ઈન્ટર્નશિપ ના કરવી પડે તે માટે ઘણા વિદ્યાર્થીઓ જાનના જોખમે યુધ્ધ ચાલતુ હોવા છતા છઠ્ઠા વર્ષનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા.જ્યાં અગાઉના વર્ષનો ઓનલાઈન અભ્યાસ પણ ઓફલાઈન મોડમાં પૂરો કર્યો હતો.

યુક્રેનમાં તબીબીનો અભ્યાસ પૂર્ણ કરીને  વિદ્યાર્થીઓ  જૂલાઈ-2023 કે તે પછી પરત ભારત આવ્યા હતા. વિદેશમાં ભણ્યા બાદ ઈન્ટર્નશિપ માટે ફરી ભારતમાં પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ  પાસ કરી હતી હાલ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અલગ અલગ મેડિકલ કોલેજોમાં ઈન્ટર્નશિપ આપવા માટે કાઉન્સિલિંગ ચાલી રહ્યુ છે. વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, નેશનલ મેડિકલ કાઉન્સિલની તમામ શરતો પૂર્ણ કરી છે.એટલે અમારે એક જ વર્ષની  ઈન્ટર્નશિપ કરવાની રહે છે.તેની જગ્યાએ ગુજરાત મેડિકલ કાઉન્સિલનુ કહેવુ છે કે, તમે પાંચમુ વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યો હોવાથી તમારે ત્રણ વર્ષ  ઈન્ટર્નશિપ કરવાની રહેશે .જ્યારે બીજા રાજ્યોએ નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઈડ લાઈનના આધારે છેલ્લુ વર્ષ ઓફલાઈન મોડમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને એક વર્ષની ઈન્ટર્નશિપની મંજૂરી આપી છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલ કોઈ વાત સાંભળવાના મૂડમાં નથી.ગુજરાત કાઉન્સિલના હોદ્દેદારો નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ આ મુદ્દો ઉઠાવે અને વહેલી તકે સ્પષ્ટતા કરે તેવી માગ છે.

Exit mobile version