Site icon Revoi.in

પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત નવી ક્રાંતિનું સર્જન કરશેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડુતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ પગલાં લીધાં છે એટલું જ નહીં તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડુતોને આહવાન કર્યુ છે.

રાજ્યપાલએ સ્વતંત્રતા બાદ દેશની ખાદ્યાન્ન જરૂરીયાતની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા થયેલી હરિત ક્રાંતિને એ સમયની આવશ્યતા ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો 24 ટકા ફાળો હોવાનું નિષ્‍ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન- પ્રતિદિન ઘટતી જાય છે જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે. પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. રાજ્યપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.

રાજ્યપાલે વધુમાં જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે પુરતું ઉત્પાદન મળે છે જેથી ખેડુતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ સરળ છે. જેમાં દેશી ગાયના છાણ- ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઘન જીવામૃત તૈયાર થાય છે. જે ખેતી માટે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે તેનાથી જમીનમાં સહાયકારી સૂક્ષ્‍મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલએ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પાયાના સિધ્ધાંતો બીજામૃત, જીવામૃત- ઘન જીવામૃત, વાપ્‍સા, આચ્છાદન અને મિશ્રપાક નાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, ભારતીય નસલની દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્‍મ જીવાણુ આવેલા છે, એટલું જ નહીં દેશી ગાયનું ગૌ- મૂત્ર ખનીજોનો ભંડાર છે. તેની મદદથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે જમીનને પોષણ આપે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, જંગલના વૃક્ષો અને વનસ્પતિ કોઇ ખાતર કે જંતુનાશક વિના પણ પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, એ જ નિયમ ખેતરમાં અપનાવવો એ જ પ્રાકૃતિક કૃષિ છે. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે સુભાષ પાલેકર પ્રેરીત પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવનાર મહિલા ખેડુતોનું સન્માન કરાયું હતું અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.