Site icon Revoi.in

ગુજરાતી પત્રકારત્વ અને યલ્લો જર્નાલિઝમ

Social Share

– ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

જોસેફ પુલિત્ઝર પોતાના અખબાર ધ ન્યૂયોર્ક વર્લ્ડમાં એક કાર્ટૂનિસ્ટ દ્વારા કાર્ટૂન સ્ટ્રિપ રજૂ કરતા હતા. આ કાર્ટૂન સ્ટ્રિપમાં યેલો કિડ – પીળું બાળક નામનું પાત્ર કેન્દ્રસ્થાને હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જોસેફ પુલિત્ઝરની કાર્ટૂન સ્ટ્રિપને ટક્કર મારવા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટે ન્યૂયોર્ક જર્નલ નામનું અખબાર શરૂ કર્યું, બંને અખબારો અને તંત્રીઓ વચ્ચે જોરદાર ટક્કર જામી, વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટે જોસેફ પુલિત્ઝરના કાર્ટૂનિસ્ટને પોતાના અખબારમાં ખેંચી કિડ કાર્ટૂન સ્ટ્રિપ પ્રગટ કરવા લાગ્યા, જોસેફ પુલિત્ઝર અને વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટની લડાઈ એ હદ સુધી પહોંચી કે તેણે પીળા પત્રકારત્વને જન્મ આપ્યો. પીળા પત્રકારત્વની શરૂઆત કરનાર મૂળ જોસેફ પુલિત્ઝર જ હતા જેણે પોતાના અખબારના વાંચકો વધારવા અને હરિફ અખબારોને પછાડવા એક રમત શરૂ કરેલી. જેના મુખ્ય શસ્ત્રો ભાવનાઓ ભડકાવનાર યલ્લો કાર્ટૂન અને અખબારના પ્રમુખ પાનાં પર મોટામોટા અક્ષરોમાં ઉશ્કેરણીજનક હેડલાઈન હતા. એ દિવસોમાં એટલે કે, 1890ની સાલમાં જોસેફ પુલિત્ઝરે પીળું પત્રકારત્વ કરી પોતાના અખબારની કોપીઓને 2.5 લાખ સુધી પહોચાડી દીધી હતી! નોંધનીય છે કે, જોસેફ પુલિત્ઝર અગાઉ કોઈએ પીળું પત્રકારત્વ કર્યું નહતું એવું નથી, પણ જોસેફ પુલિત્ઝરના સમયમાં પીળા પત્રકારત્વનો ખ્યાલ સ્પષ્ટ થયો અને જોસેફ પુલિત્ઝર યલ્લો જર્નાલિઝમના જનક કહેવાયા. ગુજરાતી પત્રકારત્વની બે સદીની લેખનયાત્રામાં જોસેફ પુલિત્ઝર અને યલ્લો જર્નાલિઝમનો ઉલ્લેખ કરવો પડે.

પત્રકારત્વજગતમાં વાંચકો, દર્શકો, શ્રોતાઓને પોતપોતાની તરફ આકર્ષવા વિવિધ મીડિયા માધ્યમો કે પત્રકારો અવનવી યુક્તિ-પ્રયુક્તિ અજમાવતા આવ્યા છે. સનસનાટી મચાવતી ખબરો દ્વારા લોકોનું ધ્યાન સતત પોતાની તરફ દોરવાની પ્રવૃત્તિ પીળું પત્રકારત્વ યાની યલ્લો જર્નાલિઝમ કહેવાય છે. યલ્લો જર્નાલિઝમની શરૂઆત પશ્ચિમના દેશોમાં થઈ. સમય જતા દરેક ભાષાના અમુક સમાચાર માધ્યમોએ યલ્લો જર્નાલિઝમ અપનાવ્યું છે, કર્યું છે, કરી રહ્યાં છે. ગુજરાતી પત્રકારત્વમાં યલ્લો જર્નાલિઝમ શબ્દનું ભાષાંતર કરી તેને પીળું પત્રકારત્વ કહેવાય છે. અહીં ખાસ યાદ રાખવું પડે કે, પશ્ચિમના દેશોમાં થતા યલ્લો જર્નાલિઝમનો અર્થ અલગ છે અને ગુજરાતી પત્રકારત્વમાં થતા પીળા પત્રકારત્વનો અર્થ અલગ છે. અહીં તો પીળું પત્રકારત્વ એટલે પૈસા પડાવવાનું હથિયાર એવું માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં પીળું પત્રકારત્વ એટલે વાંચકો, દર્શકો, શ્રોતા વધારવા થતું સનસનાટીભર્યું અને ઉશ્કેરણીજનક પત્રકારત્વ. અને અહીંનું પીળું પત્રકારત્વ એટલે કોઈના વિશેની અંગત જાણકારી મેળવી તેને બ્લેકમેઈલિંગ કરવું, પૈસા પડાવવા. કોઈના વિરુદ્ધ ખરાબ ખબરો પ્રસિદ્ધ કરવા અને ન કરવા માટે થતી પૈસાની લેતીદેતી. જાહેરખબરો માટે અપાતી ધાકધમકીઓ અને ચેતવણીઓ. મીડિયાહાઉસ કે મીડિયામેન દ્વારા ઉદ્યોગપતિ, ફિલ્મસ્ટાર, ક્રિકેટર, સરકારી અધિકારી અને રાજકારણી જેવી સેલિબ્રિટીઓ કે નાના-મોટા શહેરોના શ્રીમંત કે પૈસાદાર કે મોટા હોદ્દા પર રહેલી વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાતી રકમ પીળું પત્રકારત્વ છે.

આજે ગુજરાતી પત્રકારત્વ યલ્લો જર્નાલિઝમ એટલે કે પીળા પત્રકારત્વમાંથી બાકાત નથી. પીળું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વમાં ઉધઈનું જેમ પેસી ગયું છે અને પત્રકારત્વના સિદ્ધાંત, આદર્શ, મૂલ્યો અને નિષ્ઠાને ખતમ કરી રહ્યું છે. આજે ગુજરાતી પત્રકારત્વ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે એની પાછળનું એક મુખ્ય કારણ પીળું પત્રકારત્વ પણ છે. પીળું પત્રકારત્વ એવું પત્રકારત્વ છે જેના ઉપયોગ દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની બદનામી કરી શકાય છે, કોઈને પણ ડરાવી, ધમકાવી કે દબાવી શકાય છે. પત્રકારત્વ કે પત્રકારની કંપની પોતાના કર્તવ્યનું કતલ કરી કઈપણ છાપવા કે બોલવા તૈયાર થઈ જાય એ પણ પીળું પત્રકારત્વ જ છે. જાણીજોઈને બેજવાબદારીપૂર્વક કરવામાં આવેલા રિપોર્ટિંગને પણ પીળું પત્રકારત્વ કહેવામાં આવે છે. પીળું પત્રકારત્વ સાવધાની વિનાનું સનસનીખેજ હોય છે. એ ક્યારેક જોખમી અને જાનલેવા પણ સાબિત થતું હોય છે. અખબારો અને સામયિકો એટલે કે પ્રિન્ટ મીડિયાથી શરૂ થયેલુ યલ્લો જર્નાલિઝમ હવે સૌથી વધુ સમાચાર ચેનલો એટલે કે ડિજીટલ મીડિયામાં થાય છે. પ્રિન્ટ મીડિયા કરતા ડિજીટલ મીડિયા શક્તિશાળી માધ્યમ હોય યલ્લો જર્નાલિઝમ ડિજીટલ મીડિયામાં આસાનીથી થતું નિહાળી શકાય છે.

અખબારોમાં ખૂન, લૂંટ અને બળાત્કારની ઘટનાઓને પ્રાધાન્ય મળતા પીળા પત્રકારત્વનો જન્મ થયો. નિમ્નકક્ષાના પ્રેમ પ્રકરણો, નાનામોટા કૌભાંડો, જાણીતી વ્યક્તિઓના અંગત જીવનની સાચીખોટી બાબતો વગેરે જ્યારે અખબારોમાં અતિશ્યોક્તિ સાથે પ્રસિદ્ધ થવાનું શરૂ થયું ત્યારે યલ્લો જર્નાલિઝમ એટલે કે પીળું પત્રકારત્વ શરૂ થયું. ત્યારથી લઈ આજ સુધી તમામ સમાચાર માધ્યમોમાં આ પ્રકારનું પીળું પત્રકારત્વ જોવા મળે છે. પીળું પત્રકારત્વ થવાની સૌથી વધુ સંભાવના સંશોધનાત્મક પત્રકારત્વ અને સ્ટિંગ ઓપરેશનમાં છે. જોકે તમામ પત્રકારો કે પત્રકારત્વ સાથે સંકળાયેલ સંસ્થાઓ પીળું પત્રકારત્વ કરતી નથી, કેટલાંક ઈચ્છવા છતાં પણ પીળું પત્રકારત્વ કરી શકતા નથી. કટ્ટર હરીફાઈ વચ્ચે ક્યારેક આર્થિક રીતે પગભર રહેવા મીડિયાહાઉસ કે મીડિયામેનને પીળા પત્રકારત્વના શરણે થવું પડતું હોય છે. અંગત મત મુજબ પત્રકારત્વજગતમાં ઓછું વેતન અને વળતર પીળા પત્રકારત્વનું પ્રમુખ કારણ છે. પીળું પત્રકારત્વ કરવા હિંમત જોઈએ છીએ. પીળું પત્રકારત્વ અમીર પણ બનાવી શકે છે અને ખુવાર પણ કરી મૂકે છે.

પહેલાના સમયમાં એક મીડિયાહાઉસ અને બીજા મીડિયાહાઉસ વચ્ચે ઝડપથી સમાચારો મેળવવાની અને સૌથી પહેલા સમાચાર આપવાની હરીફાઈ થતી હતી. અન્ય અખબારોમાં જે સમાચારો છે તે આપણા અખબારોમાં પણ હોવા જ જોઈએ તેવી અખબારોના માલિકો અને તંત્રીઓની માંગ રહેતી. હવે મીડિયાહાઉસ વચ્ચે જાહેરખબરોની હરીફાઈ ચાલે છે. એક મીડિયાહાઉસ પાસે જે ખબર હોય તે બીજા મીડિયાહાઉસ પાસે ન હોય તો ચાલે પરંતુ એક મીડિયાહાઉસ પાસે જે જાહેરખબર હોય તે બીજા મીડિયાહાઉસ પાસે ન હોય તો કેમ ચાલે? માલિકો અને તંત્રીઓની માંગ ખબર કરતા જાહેરખબર પર વધુ હોય છે ને આમાંથી જ પીળું પત્રકારત્વ જન્મે છે. હાલનાં સમયમાં પીળું પત્રકારત્વ કોને કહેવું? ક્યું ગણવું? તે સમજવું અને સમજાવવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ કરનારને ઓળખી શકાતા નથી. ક્યાં મીડિયાહાઉસ પીળું પત્રકારત્વ કરે છે તે સ્પષ્ટ કહી ન શકાય પણ હા, કેટલાંક મીડિયાહાઉસ કે મીડિયાહાઉસ સાથે સંકળાયેલા કેટલાય મીડિયામેન ચોક્ક્સથી ક્યારેકને ક્યારેક જાણતા-અજાણતા પીળું પત્રકારત્વ કરી બેસતા હોય છે. જૂના જમાનાના પત્રકારોને ભોજનમાં ઠંડી રોટલી, સૂકું શાક અને પાણી નસીબ થતા હતા ત્યારે આજે નવા જમાનાના ટૂંકા પગારની નોકરી કરતા પત્રકારો પાસે એશોઆરામના ક્યાં સાધનો નથી? શું પીળા પત્રકારત્વ વિના આ સુખસાહેબી શક્ય છે? આજે ગુજરાતી ભાષામાં ગણીગાંઠી પત્રકારત્વની સંસ્થાઓ અને પત્રકારો જ છે જે પીળા પત્રકારત્વથી દૂર છે.

ગુજરાતી પત્રકારત્વની શરૂઆતથી લઈ આજ સુધીના બસો વર્ષોના ઈતિહાસમાં વિવિધ સમાચાર માધ્યમો દ્વારા બદનામી, બદનક્ષી, ધાકધમકીઓ, ચેતવણી અને ગાળાગાળીની ઘટનાઓ થતી આવી છે એટલે ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ હમણાથી જ આવ્યું છે એવું નથી. વળી, તે પ્રત્યક્ષ રીતે ક્યાંય જોવા મળ્યું હોય કે જાણમાં આવ્યું હોય એવું પણ નથી. એટલું ચોક્ક્સથી કહી શકાય કે, ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ થાય છે જરૂર અને એ કરનારા પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો જ હોય છે. ગુજરાતી ભાષાના પ્રથમ અખબાર બાદ જેમજેમ અવનવા અખબારો આવતા ગયા તેમતેમ મીડિયાહાઉસની ગળાકાપ હરીફાઈ વચ્ચે પીળું પત્રકારત્વ આપોઆપ પ્રવેશી ગયું. ભારતનો પ્રથમ પત્રકાર જેમ્સ ઓગસ્ટસ હિકી પીળું પત્રકારત્વ કરતો હતો, અને છેવટે તેના પર અનેક મુકદ્દમા ચાલ્યા. જેલમાં જવું પડ્યું, નામદાર કોર્ટે ડિપોઝીટ માંગી તે આપી શકવા અસમર્થ હતો, તેને તડીપાર કરાયો અને ગુમનામીમાં મૃત્યુ પામ્યો. જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વમાં સો સારા કામ કર્યા પણ એક પીળા પત્રકારત્વને કારણે તેનું અંતિમ જીવન ખૂબ ખરાબ અવસ્થામાં પસાર થયું. ઈતિહાસ ખૂબ લાંબો છે. શરૂઆતથી લઈ આજ સુધી પત્રકારત્વજગતમાં પીળું પત્રકારત્વનો અંજામ આવો જ થતો આવ્યો છે, પીળું પત્રકારત્વ કરી ટૂંકી પ્રગતિ કરનારનું અંતે થાય છે મોટું પતન.

વધારો : જોસેફ પુલિત્ઝર પત્રકારત્વ અને સાહિત્યનું મૂલ્ય બરાબર સમજતા હતા. તેમણે અખબારના માધ્યમ થકી પત્રકારત્વ સાથે સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યું હતું. દુનિયામાં સૌ પ્રથમ પત્રકારત્વની કોલેજ શરૂ કરાવનાર જોસેફ પુલિત્ઝર હતા. જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વની કોલેજ શરૂ કરાવવા માટે 20 લાખ ડોલરનું દાન આપ્યું હતું. શ્રેષ્ઠ અગ્રલેખ, શ્રેષ્ઠ કવિતા, શ્રેષ્ઠ પત્રકાર જેવા પુરસ્કાર જાહેર કર્યા હતા. દર વર્ષે પત્રકારત્વ, સાહિત્ય અને કલામાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અપાતા પુલિત્ઝર પ્રાઈઝની ગણના પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં થાય છે. જોસેફ પુલિત્ઝરનું નામ પત્રકારત્વની દુનિયામાં સન્માનપૂર્વક લેવામાં આવે છે, તેઓ ખૂબ સારા પત્રકાર અને તંત્રી હતા. પરંતુ એક અફસોસની વાત છે કે, જોસેફ પુલિત્ઝરનું નામ પીળા પત્રકારત્વ સાથે સંકળાયેલું છે. જોકે, જોસેફ પુલિત્ઝરનું પીળું પત્રકારત્વ પૈસાની કમાણી માટે નહતું, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનું હતું. પોતાના અખબારને અન્ય અખબારની સરખામણીમાં ચઢિયાતું સાબિત કરવા હતું. ટૂંકમાં અખબારોનો ફેલાવો વધારવા હતું, વાંચકો વધારવા હતું, ધનસંપત્તિ માટે નહતું.

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com

(Photo: File)