Site icon Revoi.in

ગુજરાતમાં માવઠાની આગાહી છે, તે પહેલા બનાસકાંઠા અને દાહોદમાં ભારે પવન સાથે કરાં પડ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે શનિવારથી સોમવાર સુધી એટલે કે, 13મીથી 15મી એપ્રિલ દરમિયાન 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બુધવારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાં તેમજ કેટલાક વિસ્તારમાં કરાં પડ્યા હતા. દાહોદ શહેર અને ઝાલોદ પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ ધરાશાયી થયાં હતા તેમજ  કેટલાક શેડ- છાપરા ઉડતા જોવા મળ્યા હતા.જ્યારે બનાસકાંઠાના અંબાજી આસપાસ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.

રાજ્યના હવામાન વિભાગે શનિવારથી માવઠાની આગાહી કરી છે. ત્યારે આગાહી પહેલા જ દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઝાલોદના લીમડી, વરોડ, મિરાખેડી, કચુંબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની માર્કેટ યાર્ડમાં દોડધામ મચી જવા પામી હતી. લીમડી એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો હતો જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતિત બન્યા છે.

દાહોદ જિલ્લા ઉપરાંત બનાસકાંઠામાં પણ ગુરૂવારે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં અમીરગઢના વિરમપુર વિસ્તારમાં સાંજના સમયે ગાજવીજ સાથે માવઠું થયું હતું. આ ઉપરાંત દાંતા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. બપોર પછી ભાણપુર, હડાદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતાં જણાવ્યું હતુ કે, આગામી 48 કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શકયતા છે. આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને કારમએ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ બાદ એટલે કે 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનીની શક્યતા છે.