Site icon Revoi.in

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન: ભારે ભીડ સથે દિલ્હી-મુંબઈ ટ્રેક પર પહોંચ્યા બૈંસલા, રેલવેએ બંધ કર્યું ટ્રેનોનું સંચાલન

Social Share

ગુર્જર સમાજ દ્વારા અનામત માટે આપવામાં આવેલી સમયમર્યાદાના સમાપ્ત થવાની સાથે જ કિરોડીસિંહબૈંસલાએ રેલવે ટ્રેક તરફ કૂચનું એલાન કર્યું છે. બૈંસલાએ કહ્યુ છેકે સૌથી આગળ તેઓ રહેશે. જ્યારે યુવાનો સૌથી પાછળ રહેશે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવશે. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના દેખાવોને જોતા રેલવેએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર ટ્રેનોના આવાગમન રોકી દીધા છે. સવાઈ માધોપુરના મલારના ડુંગરમાં ચૌહાનપુરા-મકસૂદનપુરામાં દેવનારાયણ મંદિર પર મહાપંચાયત દરમિયાન કૂચનું એલાન કરવામાં આવ્યું છે. લગભગ ચાર હજાર લોકો તે વખતે બૈંસલાની સાથે રેલવે ટ્રેક પર છે.

બૈંસલાની સાથે દેખાવો કરી રહેલા લોકો કોટાલી ટ્રેક પર બેઠા છે. ગુર્જર આંદોલનની શરૂઆતની સાથે જ દિલ્હીથી આવી રહેલી ટ્રેનોને બયાનામાં ઉભી રાખવામાં આવી છે. તો સવાઈ માધોપુર, ગંગાનગરમાં પણ ટ્રેનોને આગળ જતા રોકવામાં આવી છે. અવધ એક્સપ્રેસને પણ સવાઈ માધોપુરમાં રોકવામાં આવી છે. રેલવેએ આ ટ્રેક પર તમામ ટ્રેનોનું સંચાલન બંધ કર્યું છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે કહ્યુ છે કે સરકાર વાતચીત માટે તૈયચાર છે. તેની સાથે અધિકારીઓ પાસેથી પણ આખા મામલાની જાણકારી માંગવામાં આવી છે. બૈંસલાએ કહ્યુ છે કે કોઈપણ વાતચીત માટે સરકારે ટ્રેક પર જ આવવું પડશે.

આંદોલનને જોતા સીએમઓમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ડીજીપી કપિલ ગર્ગ, એડીજી લૉ એન્ડ ઑર્ડર એમ. એલ. લાઠર, રાજીવ સ્વરૂપ એસીએસ હોમ પણ હાજર છે. જેમાં ગુર્જર આંદોલન પર આગળની રણનીતિ તૈયાર કરવા માટે બેઠક કરવામાં આવી છે. તેઓ ફીડબેક પણ લઈ રહ્યા છે.

પ્રશાસને પણ આંદોલનને જોતા ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા અને ટોંકામાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. યુપી અને એમપીમાંથી સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન અને ટ્રેકની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગુર્જર અનામત આંદોલન દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સરકારે આઠ જિલ્લામાં રાજસ્થાન સશસ્ત્ર દળની 17 કંપનીઓની તેનાતી કરી છે. સરકારના સ્તર પર ગુરુવારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં ગૃહ વિભાગના મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.

ગુર્જર સમાજની માગણી છે કે સરકાર સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરીને પાંચ ટકા અનામત બેકલોગની સાથે આપે. આ પહેલા 24 સપ્ટેમ્બર-2015ના રોજ વિધાનસભામાં એસબીસી બિલ પારીત થયું હતું. રાજસ્થાન સરકારે 16મી ઓક્ટોબર-2015ના રોજ નોટિફિકેશન જાહેર કરીને તેને લાગુ કર્યું હતું. આ 14 માસ ચાલ્યું અને 9 ડિસેમ્બર- 2016ના રોજ હાઈકોર્ટે તેને સમાપ્ત કર્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.