Site icon Revoi.in

અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશોના બેંક ડેટા હૈક, અબજો ડોલરનું થયું નુકસાન

Social Share

દિલ્લી: હાલમાં વિશ્વના લગભગ દરેક દેશ હૈકિંગથી પરેશાન છે, જેના દ્વારા સૌથી મોટા ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે. આવું જ કંઈક યુક્રેનમાં જોવા મળ્યું છે, જ્યાં એક વિશાળ હૈકિંગ સમૂહનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, તેમને હૈકર્સના એક એવા સમૂહની શોધ કરી છે, જેમણે બ્રિટન, અમેરિકા અને યુરોપિયન દેશોમાં સ્થિત બેંકોનો ડેટા ચોરી લીધો છે.

આના કારણે બેંકોને લગભગ 2.5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. પ્રોસીક્યુટર જનરલનું કહેવું છે કે, હૈકર્સનું આ સમૂહ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં મળી આવ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હૈકર્સએ અમેરિકા, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રિયા, જર્મની, બ્રિટેન, સ્વિટ્ઝરલેન્ડ અને લિથુઆનીયામાં ખાનગી અને સરકારી બેંકો પાસેથી પેમેન્ટ ડેટા અને પાસવર્ડની ચોરી કરી હતી.

અધિકારીઓએ બેંકોનું નામ અથવા તેની સાથે સંબંધિત વધુ માહિતી આપી નથી. તેમજ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે વિશે પણ જણાવ્યું નથી. આ મામલે યુક્રેન અધિકારીઓ યુએસ પોલીસ અને યુરોપિયન પોલીસને સહયોગ આપી રહ્યા છે. પરંતુ આટલા મોટા હૈકિંગથી દરેકની ચિંતા વધી ગઈ છે. આને લીધે ગ્રાહકો ચિંતિત છે કે તેમના ડેટા સુરક્ષિત રાખવા માટે બેંકો સામે એક મોટો પડકાર ઉભો થયો છે.

પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આરોપી જલ્દીથી પકડાશે. આ મામલે બેંકો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી અને સંબંધિત દેશોની પોલીસે કંઇપણ કહ્યું નથી. જો કે, યુક્રેને આ મામલે તેની સક્રિયતા વ્યક્ત કરી છે અને તમામ પ્રકારના સહયોગ આપ્યા છે.

-દેવાંશી