Site icon Revoi.in

સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અડધો ડઝન ઈ-બસ સેવા શરૂ કરાઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી બની ગયું છે. ત્યારે બન્ને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરાઈ છે. પંચદેવ મંદિર ખાતેથી મૅયર હિતેષ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન જશવંત પટેલે લીલીઝંડી આપીને બસસેવા શરૂ કરાવી હતી. વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના સહયોગથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઈ-બસ સેવા શરૂ કરાઈ છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હાલના સમયે હાલ 6 રૂટ પર ઈ-બસ સેવા શરૂ કરાઈ છે. આગામી સમયે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કુલ 30 ઈ-બસ શરૂ કરાશે. 30 બસ માટે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ GSRTCને મનપાના માધ્યમથી બસ દીઠ 1 કરોડ એટલે 30 બસ માટે 30 કરોડ ચૂકવશે. GSRTCએ ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટર કરીને બસ ભાડે લીધી છે. જેમાં પ્રતિ કિલોમીટર 63 રૂપિયા કંપનીને ચૂકવાશે. આ સામે કંપની બસોનું ચાર્જિંગ અને મેઇન્ટેનન્સનો ખર્ચ કરશે. કંપની દ્વારા 10 વર્ષ સુધી અમદાવાદ-ગાંધીનગર રૂટ પર બસ કાર્યરત રાખવાની રહેશે. જોકે બસ ચલાવવાથી લઈને તેનું સંચાલન GSRTC પોતાના સ્ટાફ દ્વારા કરશે. આ 6 બસ ગાંધીનગર તથા અમદાવાદના મુખ્ય પિકઅપ પોઇન્ટ કૃષ્ણનગર, ઠકકરનગર, સોનીની ચાલ, ગેલેક્સી, ઇન્દિરા બ્રિજ, પાલડી, અડાલજ, ઘ-રોડ, પથિકાશ્રમ તથા સેક્ટર 28/29ના રૂટ પર ફરશે. અખબારી યાદી મુજબ, પ્રદૂષણ મુક્ત પરિવહનના લક્ષ્યાંકને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા સ્માર્ટસિટી ડેવલપમેન્ટના સહયોગથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. ​​​​​​​