Site icon Revoi.in

હળવદનો શક્તિ સાગર (બ્રહ્માણી) ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાયો, પાણીની સમસ્યાનો અંત

Social Share

મોરબીઃ ઉનાળાના આગમનથી જિલ્લાના અનેક ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. જેમાં હળવદ વિસ્તારના ગામડીં વિકટ સ્થિતિ સર્જાતા શક્તિ સાગર (બ્રહ્માણી) ડેમમાં નર્મદાના નીર ઠાલવવાના માગ ઊભી થઈ હતી. આથી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ થકી હળવદમાં આવેલો બ્રાહ્મણી-2 ડેમ(શક્તિ સાગર ડેમ) ભરવામાં આવ્યો છે. હાલ ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 17.50 ફૂટે પહોંચી ગયો છે, જેથી પાંચ જિલ્લાને એક મહિના સુધી પાણી મળી રહે એટલું પાણી ડેમમાં ભરી દેવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હળવદમાં આવેલા બ્રાહ્મણી-2 ડેમમાંથી પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા  બલ્ક પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 38 ગામોને એનસીડી-4 જુથ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે થોડા સમય પહેલા ડેમમાં પાણીનો જથ્થો ઘટી ગયો હોવાથી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ તાત્કાલિક ચાલુ કરી હાલ ડેમને સંપૂર્ણ ભરી દેવાયો છે સાથે જ બલ્ક પાઇપલાઇન થકી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરરોજનું 100થી 110 એમએલડી પાણીનો ઉપાડ કરી રહ્યું છે. તેમજ પાણી પુરવઠા બોર્ડ 10થી 12 એમએલડી પાણીનું વિતરણ કરી રહ્યું છે. જેથી એક અંદાજ મુજબ પાંચેય જિલ્લાને એક મહિના સુધી પાણીની સમસ્યા ન સર્જાય એટલો પાણીનો જથ્થો હાલ બ્રાહ્મણી-2 ડેમમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે વરસાદ ખેંચાશે તો હજુ પણ એક વખત બ્રાહ્મણી-2 ડેમ ભરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત હોવાથી ગેરકાયદેસર પાણી લેવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું.

 

Exit mobile version