Site icon Revoi.in

ભગવાન દ્વારકાધીશને હર્ષ સંઘવીએ બાવન ગજની ધજા અર્પણ કરી

Social Share

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા આજે ભગવાનને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું.  અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે  પૂજન કરાવ્યું હતું. તેમજ ભગવાન દ્વારકાધીશને આ ધજા અર્પણ કરાઇ હતી અને આ ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી.

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું સંકટ ટળતાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર આજ સાંજથી પુનઃ ધજારોહણ શરૂ થયું છે. આવતીકાલથી પાંચેય સમયની ધજાઓ ચડાવવામાં આવશે, તેમજ તમામ દર્શનનો સમય પૂર્વવત થઈ જશે.

બિપરજોયથી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ અને તેઓના સતત નિરીક્ષણને પગલે આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી જાળવી રાખી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 240 ગામડાઓમાં વાવાઝોડાથી આશરે 10 હજાર જેટલા વીજપોલ પડી ગયા છે. જ્યારે વૃક્ષો પણ પડી ગયા છે. આ વૃક્ષો હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, તેમજ વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ જશે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત પર કાયમ સોમનાથ મહાદેવ તેમજ ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમની કૃપાથી  આવતીકાલથી બધું જનજીવન પૂર્વવત થઈ જશે. આ તકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે વગેરે સાથે જોડાયા હતા.