Site icon Revoi.in

વિસાવદર ચૂંટણીમાં જીતેલા ભૂપત ભાયાણી સામે HCમાં કરાયેલી રિટમાં સુનાવણી 1લી મેએ યોજાશે

Social Share

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. એટલે રાજ્યમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી સાથે વિસાવદર બેઠકની ચૂંટણી પણ યોજાવાની હતી. પણ ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં રિટ થઈ હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી નથી. દરમિયાન વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં આગામી સુનાવણી 1 મેના રોજ હાથ ધરવામાં આવી હોવાના કારણે હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યાજી શકાશે નહીં,

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીની 7 મેના રોજ યોજાશે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર આ પાંચ બેઠક પર ચૂંટણી યોજાશે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું કોકડું ગુંચવાયું છે. જેમાં તત્કાલિન સમયે ભાજપના જ હર્ષદ રિબડીયાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અને ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. આ અરજી પેન્ડીંગ હોવાના કારણે ચૂંટણી પંચે તારીખ જાહેર ન કરી હતી. જ્યારે હવે તેની સુનાવણી 1મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે 7 મેના રોજ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેથી હાલમાં વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાવાની શક્યતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે. કે, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળેલા ભૂપત ભાયાણીને હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ભાજપએ ભૂપત ભાયાણીને વિસાવદરથી ચૂંટણી લડાવવાનું વચન આપ્યું છે. સામે હર્ષદ રિબડિયા પણ ભાજપના છે. ભૂતકાળમાં વિસાવદરની બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે.