Site icon Revoi.in

હિમાલયમાં 2005માં ગુમ થયેલા ભારતીય જવાનનો 16 વર્ષ બાદ મળ્યો મૃતદેહ, સૈનિક સન્માન સાથે કરાયાં અંતિમ સંસ્કાર

Social Share

દિલ્હીઃ વર્ષ 2005માં હિમાલયની ઉંચી ટોચ ઉપર તિરંગો લહેરાવ્યાં બાદ ભારતીય સેનાની ટીમે તિરંગો લહેરાવ્યો હતો. જે બાદ ચાર જવાનોનો પગ લપસતા તેઓ બરફની ખીણમાં પડ્યાં હતા. જે તે વખતે 3 જવાનોના મૃતદેહ મળી આવ્યાં હતા. જો કે, અમરીશ ત્યાગી નામના જવાનની ભાળ મળી ન હતી. દરમિયાન 16 વર્ષ બાદ તાજેતરમાં જ ગંગોત્રી હિમાલયમાંથી અમરીશ ત્યાગીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ જવાનના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

શહીદ જવાન અમરીશ ત્યાગીનું 16 વર્ષ બાદ સૈનિક સન્માન સાથે ગાઝિયાબાદના મુરાદાબાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. દીકરી ઈશૂએ પ્રથમવાર પિતાનો ચહેરો જોયો હતો. પિતાનો મૃતદેહ જોઈને તે ભાંગી પડી હતી અને કહ્યું હતું કે, હું પણ પિતાની જેમ સેનામાં જઈને દેશની સેવા કરીશ. દીકરી આ વાત સાંભળીને અંતિમ સંસ્કારમાં આવેલા લોકોની આંખો પણ છલકાઈ ગઈ હતી. અમરીશ ત્યાગી જ્યારે ગુમ થતા ત્યારે ઈશૂનો જન્મ થયો ન હતો. તે પોતાની માતા પાસેથી પિતા વિશે સાંભળ્યું હતું. અમરીશ ત્યાગી ગુમ થયા ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી.

પરિવારના અન્ય સભ્યોની જેમ તેને પણ પિતા પરત જીવીત આવશે તેવી આશા હતી જો કે, 16 વર્ષ બાદ તેમના ઈંતજારનો અંત આવ્યો હતો. શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભત્રીજા દીપકે કાકાને મુખાગ્નિ આપી હતી. અમરીશ ત્યાગી સેના નાયક હતા જ્યારે તેમના પિતા પણ આર્મીમાં હતા. 2005ના સપ્ટેમ્બર મહિનામાં 25 સભ્યોની ટીમ હિમાલયની સૌથી ઉંચી ટોચ સતોપંથ પર તિરંગો લહેરાવ્યો હતો. જેમાં અમરીશ ત્યાગીનો પણ સમાવેશ થાય છે.

23મી સપ્ટેમ્બરના રોજ ચાર જવાનોનો પગ લપસતા તેઓ બરફની ખીણમાં ખાબક્યાં હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ જવાનોના મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે અમરીશની કોઈ ભાળ મળી ન હતી. જો કે, વર્ષ 2006માં અમરીશ ત્યાગીને મૃત જાહેર કરીને મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. 23મી સપ્ટેમ્બર 2021ના રોજ ગંગોત્રી હિમાલયથી અમરીશનો મૃતદેહ મળી આવ્યો હતો. સેનાના અધિકારીઓને આ અંગેની જાણકારી મળતા મૃતદેહને તેમના ગામ લઈ જવાયો હતો.

શહીદ જવાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અંતિમ દર્શન માટે મોદીનગર એસડીએમ આદિત્ય પ્રજાપતિ અને અન્ય અધિકારી પ્રકાશસિંહ પણ ગયા હતા. અમરિશ ત્યાગીના સન્માનમાં હિસાલી ગામમાં સ્મૃતિ દ્વાર બનાવવાની સ્થાનિકોએ માંગણી કરી હતી.