Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક બાદ પેરાલિમ્પિક્સમાં પણ ભારતીય ખેલાડીઓ રચ્યો ઈતિહાસઃ 19 મેડલ જીત્યાં

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સાતેક જેટલા મેડલ જીત્યાં છે. હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને 24મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ખેલાડીઓએ આ દરમિયાન એથલેટિક્સમાં સૌથી વધારે આઠ, શૂટિંગમાં પાંચ, બેડમિન્ટનમાં ચાર, ટેબલ ટેનિસ અને તીરંદાજીમાં એક-એક મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સ રમતના ઈતિહાસમાં પહેલીવાર આવુ થયુ છે જ્યારે ભારતની મેડલની સંખ્યા બેવડા અંકમાં પહોંચી છે. અગાઉ ભારતનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2016ના રિયો પેરાલિમ્પિક્સમાં રહ્યુ હતુ જ્યાં તેમણે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.

પેરાલિમ્પિક્સ રમતની શરૂઆત 1960માં થઈ હતી પરંતુ ભારતે તેલ અવીવ પેરાલમ્પિક (1968)માં પહેલીવાર ભાગ લીધો હતો. 1984ના પેરાલમ્પિકથી ભારત આ રમતમાં સતત ભાગ લેતો આવ્યો છે. ભારતે ટોક્યો કરતા પહેલા 11 પેરાલમ્પિક રમતમાં ભાગ લીધો હતો, જે દરમિયાન ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ સહિત કુલ 12 મેડલ જીત્યા હતા.

હવે ટોક્યો ઓલમ્પિકમાં જીતવામાં આવેલા 19 મેડલને મળીને આ સંખ્યા 31 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ભારતીય પેરા એથલીટોએ 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આમાંથી 18 મેડલ ભારતીય ખેલાડીઓએ એથલેટિક્સ ઈવેન્ટસમાં જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ જીતનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.