Site icon Revoi.in

અમદાવાદમાં SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સામે હડતાળ પર ઉતર્યા

Social Share

અમદાવાદઃ શહેરની  મ્યુનિ.સંચાલિત SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જે કોન્ટ્રાકટ કંપનીમાં 150થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા તેમને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવાના મુદ્દે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરીને કર્મચારીને કાયમી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કર્મચારીઓએ બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા.

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હાઉસકિપિંગના કર્મચારીઓને રાતોરાત કોન્ટ્રાક્ટ બદલીને અન્ય કોન્ટ્રાક્ટ કપનીમાં મર્જ કરાતા કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ગરૂવારે હોસ્પિટલના કેમ્પસમાં હાઉસકિપિંગના 150 જેટલા કર્મચારીઓએ ધરણાં કર્યા હતા. આ અંગે હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે એક કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારી છીએ. વર્ષ 2018થી અહીંયા ફરજ બજાવીએ છીએ. કોરોનામાં પણ અમે ખૂબ કામ કર્યું હતુ, તો અમને તેનો લાભ મળવો જોઈએ. હવે મ્યુનિના સત્તાધિશોએ રાતોરાત કંપનીનો કોન્ટ્રાક્ટ બદલી નાખ્યો છે. કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. બે મહિના પહેલા જાણ કરવાની હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટ બદલ્યો તેની જાણ કરવામાં આવી નથી. અમારી માંગ છે કે, અમને કાયમી કરવા જોઈએ.

શહેરના SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કર્મચારીઓ ધરણાના કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું. કે, ભાજપ ક્યાંય પણ પોતાની જવાબદારી લેવા માંગતી નથી. કોઈપણ જગ્યાએ કન્સલ્ટન્ટ હોય અથવા સફાઈ કર્મચારી હોય, તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ભાજપ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. એસવીપી હોસ્પિટલની મહિલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી છે. કારણ કે, તેઓને ખબર નથી કે તેઓ કઈ કંપનીના કર્મચારી છે. રાતોરાત કંપનીનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવે છે.