Site icon Revoi.in

ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં, રાહુલ ગાંધીએ ભાજપ સામે કર્યા પ્રહાર

Social Share

પાટણઃ  લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકે છે, તો ખેડુતોનું દેવું કેમ માફ કરતી નથી ?  ભાજપ ફરીવાર સત્તામાં આવશે તો બંધારણને બદલી દેશે. ભાજપ અનામતના વિરુદ્ધમાં છે. અનામતનો અર્થ છે ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતવર્ગની ન્યાયપૂર્ણ ભાગીદારી. નરેન્દ્ર મોદી ખાનગીકરણને હથિયાર બનાવી તમારો આ હક છીનવી લેવા માંગે છે

લોકસભાની ચૂંટણીમાં પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે રાહુલ ગાંધીની પાટણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ સામે પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો  પ્રાથમિકતાના આધાર પર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશે. દેશની 90 ટકા વસ્તી એસસી, એસટી અને ઓબીસી છે પરંતુ તેમને કોર્પોરેટ, મીડિયા, ખાનગી હોસ્પિટલ, ખાનગી વિશ્વવિદ્યાલયો કે સરકારી વિભાગમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતુ નથી.

રાહુલ ગાંધીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે,  ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માગે છે. સત્તામાં રહેલું એનડીએ અનામતની વિરુદ્ધ છે. અનામતનો અર્થ છે ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતવર્ગની ન્યાયપૂર્ણ ભાગીદારી. નરેન્દ્ર મોદી ખાનગીકરણને હથિયાર બનાવી તમારો આ હક છીનવી લેવા માંગે છે. અમે સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં 40 ટકા ધન પર માત્ર 1 ટકા લોકોનો અધિકાર છે. આ દેશનું સત્ય છે. પછી નરેન્દ્ર મોદી અને ભાજપના લોકો કહે છે કે અનામત હટાવી દેશું. અગ્નિવીર અને ખાનગીકરણ જેવા કામ અનામતને ખતમ કરવાની રીત છે. વર્તમાન સમયમાં બે વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસ અને INDIA ગઠબંધન છે, જે બંધારણ બચાવવામાં લાગ્યા છે. બીજીતરફ મોદી બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વર્તમાન સમયમાં બે હિન્દુસ્તાન બની રહ્યાં છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં તમે જોયું જેમાં ધનવાન લોકો જોવા મળ્યા, પરંતુ એકપણ ગરીબ, કિસાન, મજૂર નહોતા. રાષ્ટ્રપતિ જે આદિવાસી સમાજથી આવે છે, તેમને જવા દેવામાં આવ્યા નહીં. આ શરમની વાત છે. દેશમાં ડ્રામા ચાલી રહ્યો છે. અમારી સરકાર બની તો અમે અગ્નિવીર યોજના હટાવી દેશું. કોંગ્રેસ મહાલક્ષ્મી યોજના લઈને આવશે જેનાથી દર ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.