Site icon Revoi.in

અમદાવાદમાં ઘોડા ઉપર સવાર થઈને વરરાજા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યાં

Social Share

અમદાવાદ: ગુજરાતમાં છ કોર્પોરેશન માટે સવારથી જ મતદાન શરૂ થયું છે અને લોકો મતદાન માટે મતદાન કેન્દ્રો ઉપર લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન શહેરના થલતેજ વિસ્તારમાં વરરાજા ઘોડા ઉપર જાન લઈને મતદાન કરવા પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જાન હિંમતનગર જવાની હતી. જો કે, તે પહેલા જ વરરાજા અને તેના પરિવારે લોકશાહીના પર્વની ઉજવણીનો ભાગ બનીને મતાધિકારીનો ઉપયોગ કરીને અન્ય મતદારોને પણ મતદાન કરવા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ધનરાજ બારોટ નામના યુવાનના લગ્ન હિંમતનગરમાં નક્કી થયાં હતા. તેમજ આજે કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનના દિવસે જ તેના લગ્ન નિર્ધારિત હતા. જેથી ધનરાજ અને તેના પરિવારજનોએ લગ્નની ઉજવણી પહેલા લોકશાહીના પર્વની ઉજવણીનો નિર્ણય કર્યો હતો. જાન અમદાવાદથી હિંમતનગર નીકળી તે પહેલા જ વરરાજા ધનરાજ ઘોડા ઉપર સવાર થઈને પરિવાર સાથે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યો હતો.

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં મતદાન કરવા માટે ઘોડા ઉપર વરરાજા અને તેના પરિવારને જોઈને મતદાન કરવા આવેલા મતદારો પણ આશ્ચર્યચકિત થયાં હતા. આમ વરરાજા ધનરાજ અને તેના પરિવારજનોએ મતદાન કરીને લોકોને મતદાન કરવા પણ અપીલ કરી હતી.