Site icon Revoi.in

સોરાષ્ટ્રના તમામ યાર્ડમાં ટમેટાં-ગુવાર સિવાયના શાકભાજીની આવક વધતા ભાવમાં થયો ઘટાડો

Social Share

રાજકોટઃ ચોમાસા પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિકિલોના રૂપિયા 100ને વટાવી ગયા હતા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જુનના અંત અને જુલાઈના પ્રારંભમાં વરસાદ પડતા તેમજ જે ખેડુતોના વાડી-ખેતરોમાં સિચાઈની સુવિધા છે, એવા ખેડુતોએ શાકભાજીનું આગોતરૂ વાવેતર કરતાં હવે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. તેના લીધે ટામેટાં અને ગુવાર સિવાયના શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત થઈ છે.

માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ રહેતા અને વરસાદી માહોલને કારણે વાતાવરણ ઠંડું રહેતા કાકડી, દૂધી, ઘીસોડા અને ગલકા સહિત શાકભાજીમાં ઉતારો વધતા યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. આથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક અટકાવી પડી છે. હાલ માત્ર ટમેટાં અને વટાણા જ શિમલા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવી રહ્યા છે. જેને કારણે તેના ભાવ ઉંચા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ એક મહિનો સુધી શાકભાજીના ભાવ નીચા રહે તેવી સંભાવના છે. ત્યારબાદ જો વરસાદનું જોર વધશે અને ખેતીવાડી પર તેની પ્રતિકૂળ અસર આવશે તો શાકભાજીના ભાવમાં વધારો આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.  બીજી તરફ ઉનાળામાં ગરમીને કારણે શાકભાજીની આવક ઓછી હતી અને દિવસમાં ગરમી પડતા ફેરિયાઓ મોટે ભાગે સાંજે જ ખરીદી માટે આવતા હતા, પરંતુ હાલમાં બપોર બાદ ખરીદી માટે લોકો આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ યાર્ડ જ નહીં તમામ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં વધારો થયો છે. ખાસ કરીને કાકડી, દૂધી, ઘીસોડા અને ગલકા તેમજ રિંગણા સહિતના શાકભાજીના ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે. અને શાકભાજીના છૂટક વેપારીઓને પણ ભાવ ઘટાડવાની ફરજ પડી છે.

Exit mobile version