Site icon Revoi.in

વડોદરાના બીલ ગામે પ્રાથમિક શાળામાં રાત્રે મગરને જોતા ગ્રામજનોએ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો

Social Share

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે લટાર મારતા મગરો જોવા મળતો હાય છે. મંગવારની રાત્રે શહેર નજીક આવેલા બીલ ગામની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર 8 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામજનોની નજર સ્કૂલમાં ધસી આવેલા મગર ઉપર પડતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવતા તુરંત જ ટીમ પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો.

વડોદરા શહેર જિલ્લામાં ચોમાસુ શરુ થતા જ મગરો માનવ વસ્તીમાં ધસી આવતા હોય છે. છેલ્લા ઘણા દિવસથી મગરો સોસાયટી, કોલેજ કેમ્પસ, જેલ સહિત રાજમાર્ગો પર લટાર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે નર્મદા અને મહી નદીના પૂરના પાણી ઓસર્યાં બાદ ખૂલ્લા મેદાનમાં પડી રહેલા મગરો હવે માનવ વસ્તીમાં આવવા લાગ્યા છે. ત્યારે મોડી રાત્રે વડોદરા નજીક આવેલા બીલ ગામની પ્રાથમિક શાળામાં મગર ધસી આવતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. ગામની સ્કૂલના ઓટલા ઉપર મગર હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા કૂતુહલવશ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. દરમિયાન આ અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ગણતરીની મિનીટોમાં બીલ ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગઇ હતી. મોબાઇલ બેટરીના તથા મોટી ટોર્ચના અજવાળે ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો.

બીલ ગામની પ્રાથમિક શાળામાંથી પકડાયેલો મગર 8 ફૂટ લાંબો અને ભારેખમ વજન હોવાના કારણે રેસ્ક્યુ ટીમને પણ મગરને પાંજરામાં પુરવામાં મુશ્કેલી પડી હતી. જોકે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે મગર ઉપર દોરડાનો ગાળીયો કસીને પકડી લીધો હતો. મગર પકડાયા બાદ તેણે પાંજરામાં પુરવામાં આવ્યો હતો. મગરને વન વિભાગના હવાલે કર્યો હતો. વન વિભાગ દ્વારા આ મગરને પુનઃ સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.