Site icon Revoi.in

ભાવનગરના સિહોર માર્કેટ યાર્ડમાં મણ ટમેટાના ભાવ ઘટીને 20થી 40 ઉપજતાં ખેડુતો રડી પડ્યાં

Social Share

ભાવનગર: જિલ્લાના ખેડૂતોને ડુંગળીની જેમ હવે ટમેટા પણ રડાવી રહ્યા છે. ટમેટાના પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. ખેડુતો ટમેટાં લઈને માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે ત્યારે ટ્રાન્સપોર્ટનું ભાડું પણ નીકળતું નથી. આથી ઘણા ખેડુતો પોતાના માલ-ઢોરને ટમેટાં ખવડાવી રહ્યા છે. ભાવનગરના સિહોર માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિકિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતોમાં રોષ જાવા મળ્યો હતો. ડુંગળી બાદ ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે.

ભાવનગર જિલ્લાના સિહોર પંથકના અનેક ગામોમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જેમાં ટામેટામાં સારા ભાવ મળતાં હોય અનેક ખેડૂતોએ આ વખતે ટામેટાનું વાવેતર કર્યું હતું. ટામેટાની ખેતી ખૂબ મહેનત માંગી લેતી ખેતી ગણાય છે. જેમાં વાતાવરણમાં ફેરફાર આવે તો પણ ટામેટાના ઉત્પાદનમાં ફેર પડતો હોય છે,  ટમેટાંનો પાક તૈયાર થતાં ખેડૂતો ટામેટા લઈને સિહોર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો પાસે દલાલોએ 1 થી 2 રૂપિયા પ્રતિકિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતો રોષે ભરાય હતા અને હલ્લાબોલ કર્યો હતો.

ખેડુતોના કહેવા મુજબ એક બાજુ રિટેલ માર્કેટમાં ટામેટા 20થી 30 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ મળતાં નથી. ત્યારે સિંહોર પંથકના ખેડૂતોએ ટામેટામાં પૂરતા ભાવ નહીં મળતાં ટામેટા ઢોરને ખવરાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ટામેટામાં વાવેતરથી માર્કેટયાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચ થતો હોય છે. પરંતુ યોગ્ય ભાવ નહીં મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. તેમજ સરકાર દખલ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એ દિશામાં વિચારવા ખેડૂતોએ અપીલ કરી હતી. ટામેટામાં પૂરતા ભાવ નહીં મળતા સિહોર પંથકના ખેડૂતોએ ટામેટાનો પાક ખેંચીને નષ્ટ કર્યો હતો.

Exit mobile version