Site icon Revoi.in

બોરડી સમઢિયાળા ગામે સિંહે બળદ પર તરાપ મારી મારણ કર્યું, ખેડુતોમાં ફફડાટ

Social Share

રાજકોટઃ ચોમાસાની વરસાદી સીઝન દરમિયાન ભૂખ્યા સિંહ ખોરાકની સોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. રાજકોટમાં 9 મહિના બાદ વધુ એક વખત સિંહનો પરિવાર આવતાં લોકોમાં રોમાંચ જાગ્યો છે. જ્યાં આજે જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં એક સાવજે બળદ પર તરાપ મારી એનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા 3થી 4 જેટલા સિંહોએ ધામા નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડુતો હવે સીમ વિસ્તારમાં જતા ડર અનુભવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વહેલી સવારે જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં સ્થાનિક બાબુભાઈ અરજણભાઈ બૂટાણીની વાડીમાં એક સિંહ ધસી આવ્યો હતો અને તેણે બળદ પર તરાપ મારી એનું મારણ કર્યું હતું. હાલ વરસાદને લઈ જંગલમાં જીવજંતુઓ અને મચ્છરોના ત્રાસને કારણે સાવજો બહાર આવ્યા હોવાની ગામવાસીઓમાં ચર્ચા થઈ રહી છે. રાજકોટ તાલુકામાં આજથી 9 મહિના પૂર્વે પણ સિંહની ત્રિપુટીએ ધામા નાખ્યા હતા. આ ત્રણ સિંહે 20થી વધુ પશુનો શિકાર કર્યો હતો. ગીર જંગલ તરફથી આવેલા આ ત્રણેય સિંહો પહેલા જસદણના હલેન્ડા ગામમાં જોવા મળ્યા હતા. બાદમાં સરધાર રેન્જમાં એમને જોવા મળ્યા હતા. બાદમાં ત્રંબા ગામમાં એમણે ધામા નાખ્યા હતા. બાદમાં કોટડાસાંગાણી તાલુકામાં હાલ આ ત્રણેય સિંહોએ ધામા નાખ્યા છે. વન વિભાગે સિંહનું લોકોશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.