Site icon Revoi.in

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક ભરતીની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ ખરીદનારા 30 પરીક્ષાર્થીઓ પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ ભરતીઓ માટેની પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ બનતી હોય છે. કેટલાક મહિના પહેલા જુનિયર ક્લાર્કની ભરતી માટેનું પેપર ફુટી જવાથી પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આ બનાવની એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. પરીક્ષા પહેલાં જ પરીક્ષાના પેપર લોકો વચ્ચે ફરતાં થઈ ગયાં હતાં. એટલે કે એજન્ટોએ લાલચુ પરીક્ષાર્થીઓને પેપર વેચી દીધા હતા. કોઈની પાસેથી 10 લાખ તો કોઇની પાસેથી 15 લાખના ચેક તમામના ઓરિજનલ ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેમને પેપર આપી દીધાં હતાં. જેમાં ખાસ કરીને ગુજરાતના દલાલો અને અન્ય રાજ્યના દલાલોએ ભેગા મળીને અંદાજે 100થી વધુ લોકોને પેપર આપી દીધા હતા. હાલ પોલીસના હાથે યુવતીઓ સહિત કુલ 30 લોકો ઝડપાયા છે. જે પરીક્ષા પહેલાં જ તેમના હાથમાં પેપર આવી ગયા હતા. આ તમામે દલાલોને કોરા ચેક આપીને અન્ય ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કર્યાં હતાં. હાલ તમામની સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અનેક યુવાનો પોતાની મહેનત અને પરિશ્રમ બાદ સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસો કરતા હતા. બધાને એવું હતું કે હવે આપેલી પરીક્ષામાં તેમને તક મળશે અને તેઓ પોતાની મહેતનના આધારે નિશ્ચિત જગ્યાએ નોકરી કરશે. ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઇ રહેલા લાખો ઉમેદવારો ગુજરાતની જુનિયર ક્લાર્કની ભરતી માટે અલગ અલગ સેન્ટર પર પહોંચી ગયા હતા પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપરલીક થયું હોવાના સમાચાર આવતા લાખો લોકોનાં સપનાં રોળાઈ ગયાં હતાં. ગુજરાત એટીએસ દ્વારા પેપર કાંડમાં જીત નાયક, પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી, ચેતન બારોટ સહિતના 15 જેટલા માસ્ટર માઈન્ડની ધરપકડ કર્યા બાદ આ પેપર કોને વેચવામાં આવ્યું છે તે અંગેની તપાસ શરુ કરવામાં આવી હતી. આ તપાસમાં ખુલ્યું કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરના રહેવાસીઓ દ્વારા આ પેપર ઊંચી કિંમતમાં ખરીદ્યું હતું. પરંતુ 29 જાન્યુઆરી 2023ના દિવસે સવારે લોકોને ખ્યાલ આવ્યો કે તેઓ જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેનું પેપર લીક થઈ ગયું છે માટે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ કેસમાં ગુજરાત એટએસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પેપર ખરીદનારા મહિલા આરોપીઓ સહિત 30ની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું  કે, વડોદરાની સ્ટેક ઈન્સ્ટિટ્યુટમાં દરોડા પાડીને પેપર લીકનો ભાંડો ATS દ્વારા ફોડવામાં આવ્યો હતો. અહીંથી તપાસ દરમિયાન કોરા ચેક, કૉલ લેટર સહિતની વિગતો મળી આવી હતી. આ વિગતોના આધારે ગુજરાત ATS દ્વારા પેપર ખરીદવાના ગુનામાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Exit mobile version