Site icon Revoi.in

કઠલાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરાતા બે કોમના લોકો વચ્ચે અથડામણ, 3 ઘવાયા

Social Share

નડિયાદઃ સોશ્યલ મીડિયામાં એક વિડિયો અપલોડ કરાતા ખેડા જિલ્લાના કઠલાલામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાયું હતું. અને આ બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લાકડીઓ અને હથિયારો સાથે બે કોમના ટોળાં આમને સામને આવી ગયા હતા. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ખેડા જિલ્લાના કઠલાલમાં બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા. આ અંગે સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કરવા બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. આ બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને કોમના લોકો લાકડીઓ જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતાં. જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ સંદર્ભે કઠલાલ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને લીધે કઠલાલના બજારો સજ્જડ બંધ રહ્યા છે.

કઠલાલમાં શનિવારની રાત્રે કોમી દંગલ થયુ હતું. અમદાવાદના ધંધૂકામાં યુવાન કિશન ભરવાડની હત્યા મામલે અહીંયા બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા. જેમાં વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવા બાબતે માથાકૂટ થતાં મામલો બિચક્યો હતો. જોત જોતામાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને બાજુએથી 20-20 લોકોના ટોળાંઓ ધસી આવ્યા હતા અને મારમારી કરી હતી. આ મારામારીમાં કુલ 3 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ક્રોસ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

જ્યોતીન્દ્ર ઉર્ફે જય દેવીદાસ ભાવસારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે રાત્રે હું નગરના કડિયાવાડમાં ઊભા હતા ત્યારે આસીફ શફી કારીગર, અનીસ મહમદ ચૌહાણ, જિગર વ્હોરા, આદિલ સહિત 20 માણસોનું ટોળું લાકડીઓ, ભાલા જેવા હથિયારોથી સજ્જ થઈ ધંધુકાના કિશન ભરવાડ વિશે હિંદુઓ ખોટી વાતો કરી વીડિયો અપલોડ કરો છો કહી અપશબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે આસીફ શફી કારીગર, અનીશ મહમદ ચૌહાણ‌, જીગર વહોરા આદિલ સિરાજ ભાઈ સહિત ટોળાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત સામાં પક્ષે કઠલાલ વ્હોરવાડમાં રહેતાં આસીફ યાકુબભાઈ વ્હોરાએ નોધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રાત્રે કડિયાવાળના નાકે પાન ખાઈને ઘરે જતાં હતાં ત્યારે ભાવસાર વાડ તરફથી પીન્ટુ રબારી, અમિત બારૈયા, અમિત વ્યાસ સહિત 20 જેટલા વ્યક્તિઓનું ટોળું લાકડીઓ તલવાર તેમજ લાકડાંના દંડા લઈ ગાળો બોલતાં બોલતાં આવી હિંદુઓ વિશે ખોટા વીડિયો મુકો છો કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમને સમજાવવા શાંત પાડવા જતાં પિન્ટુએ આસીફ વ્હોરાને ધક્કો મારી પાડી દીધાં હતાં. જ્યારે અન્ય ઈસમોએ લાકડી મારી માથામાં તેમજ કપાળ પર ઇજા કરી તમને  જીવતા રહેવા દેવાના નથી કહી મારી નાખવાની ધમકી આપી હતી.

આ વખતે બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો દોડી આવતાં આ લોકો નાસી ગયા હતાં. આ ઝગડામાં આસિફને ઇજા થતાં સારવાર માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે કઠલાલ પોલીસે પીન્ટુ રબારી, અમિત બારૈયા, અમિત વ્યાસ, જૈમિન ભાવસાર, અક્ષય રબારી સહિત ટોળાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કઠલાલના કડીયાવાડના નાકે બનેલી આ ઘટનાને પગલે શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિ સંભાળી હતી.આ ઘટનાના બીજા દિવસે સમગ્ર કઠલાલ શહેરના હિન્દુ સંગઠને બંધનું એલાન આપ્યું હતું. જેથી રવિવારે કઠલાલના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.