Site icon Revoi.in

ખો-ખોની રમતમાં ગુજરાત બન્યુ ચેમ્પિયન, લીંમડીના યુવાનોએ રંગ રાખ્યો

Social Share

અમદાવાદઃ જામનગર ખાતે યોજાયેલી ખો-ખો ગેમની ચોથી યુથ સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં અલગ-અલગ રાજ્યની 28 ટીમે ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. ટીમના ચેમ્પિયન બનાવવામાં લીંબડીના કેપ્ટન સહિત અન્ય 2 ખેલાડીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

જામનગર જિલ્લાના જાંબુડાની ઉમા કુમાર છાત્રાલય ખાતે તા.23 જુલાઈથી 25 જુલાઈ સુધી ચોથી નેશનલ યુથ સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલિબોલ, હોકી, બાસ્કેટબોલ હેન્ડબૉલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, બોક્સિંગ, ખો-ખો, સ્વિમિગ સહિત ગેમ રમવા અલગ-અલગ રાજ્યની ટીમોએ ભાગ લીધો હતો. ખો-ખો ગેમમાં ગુજરાત સહિત રાજ્યની 28 ટીમે ભાગ લીધો હતો. ગુજરાત ખો-ખો ટીમના કોચ રાજુભાઈ ભુવા અને ટીમની કેપ્ટન્સી લીંબડીના જયેશ સભાડને સોંપવામાં આવી હતી. સાથે લીંબડીના અન્ય બે ખેલાડી મયુર ઝેઝરિયા અને ગોપાલ રેથળિયાને ટીમમાં સ્થાન મળ્યું હતું. સેમિફાઈનલ મેચ કર્ણાટક અને ગુજરાત વચ્ચે રમાઈ હતી.

રસાકસીભર્યાં મેચમાં ગુજરાતની ટીમ 1 પોઈન્ટ સાથે વિજયી બની. ફાઈનલમાં ગુજરાતનો મુકાબલો તેલંગાણા ટીમ સાથે થયો હતો. જયેશ સભાડની આગેવાનીમાં ગુજરાત ટીમ તેલંગાણાની ટીમ સામે 5 પોઈન્ટથી જીત મેળવી ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમના ખેલાડીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલ યુથ સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવવામાં લીંબડીના 3 ખેલાડીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રાજયમાં લીંબડી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.