Site icon Revoi.in

રાજકોટની જેલમાં 24 કેદીઓને સજામાફી આપીને છોડી મુકવામાં આવશે

Social Share

રાજકોટ :  જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભાગવતા કેદીઓની સારી ચાલચલગત હોય અને અમુક વર્ષ સજા ભોગવી ચુકેલા હોય તેવા કેદીઓને કેદમુક્ત કરવાનો નિર્ણય લેવાતો હોય છે. રાજકોટની જેલમાં  14 વર્ષથી સજા ભોગવી રહેલા આજીવન કેદના એક મહિલા સહિતના 24 કેદીને છોડી મૂકવાનો પ્રાથમિક નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર મહેશબાબુ, ડિસ્ટ્રિક્ટ જજ ઉત્કર્ષ દેસાઇ, એસપી બલરામ મિના, જેલના વડા શ્રીમતી બન્નો જોષી, ડીસીપી મનોહરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેદીઓએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરીને અધિકારીઓના દિલ જીતી લીધાં હતાં. આ સાંસ્કૃતિ કાર્યક્રમ બાદ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને છેલ્લાં 14 વર્ષથી સજા કાપી રહેલા એક મહિલા સહિત 24 કેદીઓને છોડી મૂકવાનો પ્રાથમિક નિર્ણય કરાયો હતો. આ નિર્ણયની અમલવારી કલેક્ટરનાં વડપણ હેઠળની કમિટી દ્વારા લેવાશે. 1700 કેદી પૈકીના સારી ચાલચલગત ધરાવતાં 24 કેદીને છોડવાના નિર્ણય અંગે ગૃહવિભાગની મંજુરી લેવામાં આવશે. એ પછી એ કેદીઓને જેલમાંથી મુક્ત કરાશે, આજીવન કેદની સજા ભોગવી રહેલાં એક મહિલા સહિત 24 કેદીઓમાં આ નિર્ણયના કારણે દિવાળીના તહેવારમાં આશાનું કિરણ ઉભું થયું છે. આ ઉપરાંત દર દિવાળીએ સારી વર્તણૂક ધરાવતા કેદીઓને 14 દિવસની ખાસ પેરોલ મંજૂર કરવામાં આવતા હોય છે. જેમાં 48 કેદીને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. આ વર્ષે પણ મુખ્યમંત્રીએ વૃદ્ધ કેદીઓ અને મહિલા કેદીઓને કે જે ગંભીર ગુનાના કેદીઓ નહોય તેમને 15 દિસના પેરોલ પર છોડવાનો નિર્ણય લીધો છે.