Site icon Revoi.in

સુરેન્દ્રનગર-વઢવાણમાં લોકો નળ બંધ નહીં કરીને લાખો લિટર પાણીનો વેડફાટ કરતાં હોવાની રાવ

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદાના નીરને કારણે પીવાના પાણીની સમસ્યામાં ઘટાડો થયો છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. આ બન્ને શહેરોમાં એક સમય એવો હતો. જ્યારે ધોળીધજા ડેમ ખાલી થઇ જાય એટલે જનતાને 7 દિવસે પાણી મળતું હતુ. તત્કાલિન સમયે લોકો પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરતા હતા પણ અત્યારે ધોળીધજા ડેમ નર્મદા નીરથી ભરી દેવાતા અને શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરાતા લોકોને હવે પાણીની કિંમત રહી નથી. શહેરમાં જ્યારે પણ પાણીનો વારો હોય ત્યારે 20 લાખ લીટર પાણીનો લોકો દ્વારા બગાડ કરવામાં આવી રહ્યાનું કહેવાય છે. બન્ને શહેરોમાં લોકો પાણીની જરૂરિયાત ન હોવા છતાં નળ ખૂલ્લા મુકી દે છે.એટલે પાણી ગટરમાં વહી જાય છે. પાણી ભરાઇ ગયા પછી લોકો નળ બંધ કરતા નથી. તેમજ પાણી વારાના દિવસે રસ્તાઓ અને ચોકને ધોવામાં આવે છે. તેમજ બંધ ઘરમાં નળ ચાલુ હોય તેનું પાણી રસ્તા ઉપર વહેતુ જોવા મળે છે. ઉપરાંત વાહનો ધોવા પાણીનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. આમ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે.

નગરપાલિકાના સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની વસતી સાથે વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. તો બીજી તરફ બન્ને શહેરના તમામ વિસ્તારોના લોકો સુધી પીવાનું પાણી પહોંચે તે માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. એક સમયે બંને શહેરમાં 7 દિવસે પાણી વિતરણ કરાતા વાપરવાનું તો એક બાજુ પણ પીવાના પાણી માટે પણ લોકોને સાવચેતી રાખવી પડતી હતી. લોકોને એક બેડા પાણીની પણ કિંમત હતી. જ્યારે અત્યારે ધોળીધજા ડેમ ભર ઉનાળે પણ છલોછલ ભરેલો છે અને આથી સુરેન્દ્રનગરમાં એકાંતરે તેમજ વઢવાણમાં 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સુરેન્દ્રનગરમાં 20 એમએલડી અને વઢવાણમાં 9 સહિત દર પાણીના વારે કુલ 29 એમએલડી પાણી આપવામાં આવે છે. જેના કારણે સુરેન્દ્રનગર-વઢવાણની અંદાજે 3,00,000 વસતીને તેનો લાભ લઇ શકે છે. પાલિકાના કુલ 13 વોર્ડમાં 7 સેન્ટરો (ઝોન)માંથી પાણીની ટાંકી, સમ્પ હોય ત્યાંથી પાણી વિતરણ કરવામાં આવે છે.પરંતુ અંદાજે 2 એમએલડી એટલે કે 20,00,000 લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.