Site icon Revoi.in

વડોદરામાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામની જન્મ જયંતી નિમિત્તે વિવિધ ફ્લોટ્સ સાથે મહારેલી યોજાઈ

Social Share

વડોદરાઃ શહેરમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે  બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજ અને પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા નિઝામપુરા ખાતેથી નીકળેલી ભવ્ય ફ્લોટ્સ અને બગીઓ સાથેની મહારેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ મહારેલીની પરશુરામ મંદિરે જઈને મહાઆરતી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા 20 વર્ષથી આર્યાવ્રત બ્રહ્મસમાજ દ્વારા પ્રતિવર્ષ પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે અખાત્રીજના દિવસે ભવ્ય આયોજન કરાયું હતું.

વડોદરા શહેરમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે  બ્રહ્મ સમાજ દ્વારા મહારેલી મહેસાણાનગરથી પ્રસ્થાન થઈ ડીલક્ષ ચાર રસ્તા, ફતેગંજ મેઇન રોડ કાલાઘોડા થઈ, રાજમહેલ રોડ થઈ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. જ્યારે રેલી કોઠીચાર રસ્તા ખાતે આવી પહોંચતા બ્રાહ્મણ સમાજના કાર્યકર્તાઓએ ફૂલોથી સ્વાગત કર્યું હતું. રેલીમાં ભવ્ય ફ્લોટ્સના પ્રારંભે બગીઓ અને ટ્રકોમાં ખાસ બનાવેલા આકર્ષણ રૂપ ભવ્ય બેઠક વ્યવસ્થામાં બાળકોએ વિવિધ વેશભૂષામાં સજ્જ થતા સનાતનની ધર્મના વિવિધ પ્રતિકૃતિથી વિવિધ ભગવાનની યાદ તાજી થઈ હતી. જેમાં બ્રહ્મસમાજ અને સનાતનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. નિઝામપુરાથી પ્રસ્થાન થયેલી મહારેલીએ વિવિધ રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરના બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલી મહારેલીમાં બ્રહ્મ સમાજના લોકો ટૂ-વ્હિલર અને ફોર વ્હિલર વાહનો સાથે જોડાતા રેલીનું આકર્ષણ વધ્યું હતું. મહિલાઓ પણ આ મહારેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. ગુજરાતમાં વડોદરા ઉપરાંત રાજકોટ સહિત અનેક શહેરોમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી.

Exit mobile version