Site icon Revoi.in

ગુજરાતમાં ઈન્કમટેક્સ ફ્લાઈંગ સ્ક્વોર્ડએ 11 કરોડનું સોનું, 7 કરોડ રોકડ જપ્ત કર્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યની તમામ ચેકપાસ્ટ પર પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓની બનેલી ટીમ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આંગડિયાઓએ પણ રોકડ રકમની હેરાફેરી બંધ કરી દીધી છે. દરમિયાન ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની ફલાઇંગ સ્કવોડે અત્યાર સુધીમાં રૂ. 11 કરોડનું સોનું અને રૂ.7 કરોડની રોકડ જપ્ત કરી છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કાળા નાણાંની હેરાફેરીને રોકવા માટે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ એરપોર્ટ, રેલવે સ્ટેશન પર ખાસ ટીમો પોલીસ સાથે ગોઠવવામાં આવી છે.આઈટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં અમદાવાદમાંથી રૂ. 5 લાખ, બરોડામાંથી 13 લાખ રોકડા જપ્ત કર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી એક પેસેન્જર પાસેથી રૂ. 55 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બાતમીના આધારે એક ફર્મમાં સર્ચ કરીને કરોડો રૂપિયા જપ્ત કર્યા હતા.

ગુજરાતમાં આચારસંહિતાનું ચુસ્તરીતે પાલન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના સરહદી વિસ્તારની ચેકપોસ્ટો પર દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ રેલવે સ્ટેશનો, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યપં છે. ઉપરાંત શહેરમાં પ્રવેશતા વાહનો પર પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કાળાના નાણાને ઝડપી પાડવા ઈન્કમટેક્સ વિભાગે બનાવેલા કંટ્રોલ રૂમને રોજના 15થી 20 કોલ મળી રહ્યા છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાતી હોવાથી લોકો ફોન કરીને માહિતી આપી રહ્યા છે.