Site icon Revoi.in

રાજકોટમાં મ્યુનિ.ના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાળ

Social Share

રાજકોટઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત લડી રહ્યા છે. અગાઉ પણ સફાઈ કામદારોએ રેલી યોજીને વિરોધી પ્રદર્શન કર્યું હતુ. છતાંપણ પ્રશ્ન ન ઉકેલાતા સફાઈ કામદારો બેમુદ્દતી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોના બુધવારે સફાઇ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં  કોન્ટ્રાકટ બેઇઝ ફરજ બજાવતા સફાઇ કામદારોએ મંગળવારે કામદાર યુનિયનના નેજા હેઠળ લઘુતમ વેતન પી.એફ.(પ્રોવીડન્ડ ફંડ)ના ગોટાળામાં સુધારો, બોનસ સહિતના પ્રશ્ર્નો અંગે મ્યુનિ.કચેરીના પ્રવેશદ્વાર સામે રાજમાર્ગ પર બેસી થઇ સુત્રોચ્ચાર કરી ચકકાજામ કર્યો હતો. ત્યારબાદ
સફાઇ કામદારોએ જિલ્લા કલેકટર કચેરીમાં પણ ઉમટી પડી વહીવટી તંત્રને આ મામલે રજુઆત કરી હતી ત્યારબાદ બાદ બુધવારથી મ્યુનિ.કોર્પોરેશનના 4900 જેટલા સફાઇ કામદારો બેમુદ્દતી હડતાલ પર ઉતરી જતા શહેરના અનેક વિસ્તારોમાં સફાઇ કામગીરી ઠપ્પ બની ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં સફાઇ કામદારો સફાઇ કરવા માટે ફરકયા ન હતા. તેના લીધે શહેરના રોડ-રસ્તાઓની સફાઈ થઈ શકી નહતી. અને રોડ પર કચરાના ઢગ જોવા મળ્યા હતા.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ભેઈઝ હેઠળ કામ કરતા સફાઇ કામદારોને લઘુતમ વેતન આપવું, પી.એફ. ઇ.એસ.આઇ આપવું, પી.એફ.ના ગોટાળામાં દુર કરી રકમ એક સાથે બેંક એકાઉન્ટમાં જમા કરવી, દરેક કામદારોને ફરજિયાત ઇ.એસ.આઇ. કાર્ડ આપવા, તેમજ કામદારોને બોનસ 8.3ર ટકા લેખે ચુકવવું, અગાઉના બોનસની રકમ એક સાથે ચુકવી આપવી, તા. 1 થી 10 સુધીમાં પગાર ચુકવવો કામદારોને આઇકાર્ડ, ડ્રેસ આપવો સહિતના 12 પ્રશ્ર્નો હલ કરવાની માંગણી સાથે કોન્ટ્રાકટ બેઇઝ સફાઇ કામદારો દ્વારા આ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે. કોન્ટ્રાકટ બેઇઝ સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે, જયાં સુધી તેમના આ પ્રશ્ર્નો નહીં ઉકેલાય ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે. સફાઇ કામદારોની આ હડતાલના પગલે અનેક વિસ્તારોમાં સફાઇની કામગીરી  ઠપ્પ બની જતા રોગચાળો ફાટી નિકળવાની જહેશત ઊભી થઈ છે. (FILE PHOTO)