Site icon Revoi.in

હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયાના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ

Social Share

હૈદરાબાદના સાતમા નિઝામ, મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીના દરબારમાં નાણાં પ્રધાન રહેલા નવાબ મોઈન નવાઝ જંગે તે સમયગાળામાં બ્રિટનમાં પાકિસ્તાના હાઈકમિશનરના બેંક ખાતામાં જે દશ લાખ પાઉન્ડ મોકલ્યા હતા, તે આજે વધીને તેના 35 ગણા થઈ ચુક્યા છે.

બ્રિટનમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા હબીબ ઈબ્રાહીમ રહીમતુલ્લાના લંડન ખાતેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલા દશ લાખ પાઉન્ડ એટલે કે લગભગ 89 કરોડ રૂપિયા હવે 350 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે 3.1 અબજ રૂપિયા થઈ ચુક્યા છે અને તેમના નામ પર તેમના નેટવેસ્ટ બેંકના ખાતામાં જમા છે.

નિઝામ અને પાકિસ્તાનના ઉત્તરાધિકારીઓ વચ્ચે આ નાણાંને લઈને લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. લંડનમાં રહેલી રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ મામલો હજી પણ વિલંબિત છે.

આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ માર્કસસ્મિથે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને આ વર્ષે ઓક્ટોબરમાં આના સંદર્ભે ચુકાદો આપવાના છે.

તેમના ચુકાદાથી જ નિર્ધારીત થશે કે 3.5 કરોડ પાઉન્ડની રકમ કોના હાથમાં જશે.

સાતમા નિઝામ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી આ કાયદાકીય લડાઈ અને નાણાંના ટ્રાન્સફરની પાછળની કહાણી જાણવાની કોશિશ કરીએ, તો ઘણી રસપ્રદ બાબતો સામે આવી રહી છે.

હૈદરાબાદનો ભારતમાં વિલય

15 ઓગસ્ટ-1947ના રોજ ભારત આઝાદ થયું, પરંતુ દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદ સહીત ઘણાં રાજ્યોએ તે દિવસે આઝાદીનો સ્વાદ ચાખ્યો નહીં.

હૈદરાબાદ 17 સપ્ટેમ્બર-1948 સુધી નિઝામના શાસન હેઠળ રહ્યુ હતું. બાદમાં ઓપરેશન પોલો નામના સૈન્ય અભિયાન દ્વારા હૈદરાબાદનો ભારતમાં વિલય કરવામાં આવ્યો હતો.

10 લાખ પાઉન્ડને ટ્રાન્સફર કરવાની આ કહાની હૈદરાબાદના ભારતમાં વિલય થવા દરમિયાનની છે.

તે સમયે હૈદરાબાદ આસફ જાહ વંશના સાતમા વંશજ નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દીકીની રિયાસત હતું. તે સમયે તેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા હતા.

ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદના ભારતમાં વિલય થતા પહેલા તેઓ હૈદરાબાદ રિયાસતના સાતમા અને આખરી નિઝામ હતા.

સાતમા નિઝામના પૌત્ર યુવરાજ મુકર્રમ જાહ-આઠમાના પ્રતિનિધિત્વ કરનારી લૉ સંસ્થા વિધર્સ વર્લ્ડવાઈડ લૉ ફર્મનું પોલ હેવિટ્ટ જણાવે છે કે ઓપરેશન પોલો દરમિયાન હૈદરાબાદના નિઝામના નાણાં પ્રધાને નાણાંને સુરક્ષિત રાખવાના ઈરાદાથી લગભગ 10 લાખ પાઉન્ડ તે સમયે પાકિસ્તાનના હાઈકમિશનરના લંડનવાળા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

1948માં ટ્રાન્સફર કરવામાં આવેલા આ નાણાં બાદમાં સાતમા નિઝામના ઉત્તરાધિકારીઓ અને પાકિસ્તાન વચ્ચે કાયદીય લડાઈનું કારણ બની ગયા.

નાણાં પાછા મેળવવાનો જંગ

પોલ હેવિટ્ટ જણાવે છે કે જેવું હૈદરાબાદના સાતમા નિઝામને નાણાંના ટ્રાન્સફર મામલે જાણકારી મળી કે તેમણે પાકિસ્તાનને કહ્યુ કે તેમના નાણાં ઝડપથી પાછા આપી દે. પરંતુ રહિમતુલ્લાએ નાણાં પાછા આપવાનો ઈન્કાર કર્યો અને કહ્યુ કે આ હવે પાકિસ્તાનની મિલ્કત બની ગયા છે.

તેના પછી 1954માં સાતમા નિઝામ અને પાકિસ્તાનની વચ્ચે એક કાયદાકીય જંગ શરૂ થઈ હતી. નિઝામે પોતાના નાણાં પાછા મેળવવા માટે યુકેની હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ હતી.

હાઈકોર્ટમાં મામલો પાકિસ્તાનના પક્ષમાં ચાલ્યો ગયો અને તેના પછી નિઝામે કોર્ટ્સ ઓફ અપીલમાં જવું પડયું અને ત્યાં તેમની જીત થઈ હતી.

તેના પછી પાકિસ્તાને આગળ વધીને યુકેની સુપ્રીમ કોર્ટ, હાઉસ ઓફ લોર્ડ્સનો દરવાજો ખખડાવ્યો. પાકિસ્તાનની દલીલ હતી કે નિઝામ પાકિસ્તાન પર કોઈપણ પ્રકારનો કેસ કરી શકે નહીં, કારણ કે પાકિસ્તાન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે.

હાઉસ ઓફ લોર્ડ્સે પાકિસ્તાનની તરફેણમાં ચુકાદો આપ્યો અને દલીલને યોગ્ય ઠેરવતા કહ્યુ કે નિઝામ પાકિસ્તાન પર કેસ કરી શકે નહીં. પરંતુ તેની સાથે જ હાઉસ ઓફ લોર્ડ્સે 10 લાખ પાઉન્ડની વિવાદીત રકમને ફ્રીઝ કરી દીધી હતી.

ત્યાર બાદથી પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા હબીબ ઈબ્રાહીમ રહિમતુલ્લાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલા આ નાણાં નેટવેસ્ટ બેંકની પાસે છે. બેંક પ્રમાણે, આ નાણાં હવે કોર્ટના ચુકાદા બાદ જ તેના યોગ્ય ઉત્તરાધિકારીને આપી શકાય છે.

પરંતુ 1948માં જમા આ 10 લાખ પાઉન્ડ, ગત સાઠ વર્ષોમાં વ્યાજની રકમ સાથે હવે 350 લાખ પાઉન્ડ થઈ ચુક્યા છે.

ગત કેટલાક વર્ષોમા વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ શોધવાની પણ કોશિશ કરવામાં આવી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.

મામલાનો એક પક્ષ ભારત સરકાર પણ

1967માં હૈદરાબાદના સાતમા નિઝામનું નિધન થયું. પરંતુ નાણાંને પાછા મેળવવાનો કાયદાકીય જંગ તેના પછી પણ ચાલુ રહ્યો અને તેને આગળ વધાર્યો તેમના ઉત્તરાધિકારીઓએ.

આ કાયદાકીય લડાઈમાં 2013માં પોલ હેવિટ્ટ ત્યારે સામેલ થયા, જ્યારે પાકિસ્તાની હાઈકમિશનરે પાકિસ્તાન માટે નાણાં કાઢવાની આશામાં બેંકની વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

તેના પછી બેંક માટે બાધ્યકારી થઈ ગયું કે તેઓ આ મામલામાંથી આ નાણાં પર દાવો કરનારા તમામ સંબંધિત પક્ષકારો સાથે વાત કરે અને તેમા ભારત સહીત નિઝામ રિયાસતના બંને યુવરાજ પણ સામેલ હતા.

પોલ હેવિટ્ટે જણાવ્યુ છે કે બંને યુવરાજોએ તાજેતરમાં આ મુદ્દા પર ભારત સરકાર સાથે ચર્ચા કરી છે, જે એક સમયે આ નાણાં પર દાવો કરી ચુકી હતી.

હજી સુધી નિઝામના વારસદારો અને ભારતીય સરકારની વચ્ચે ચર્ચા અથવા સમજૂતી સાથે સંબંધિત કોઈ દસ્તાવેજ સામે આવ્યા નથી.

પાકિસ્તાનની દલીલ

એક તરફ નિઝામનો પરિવાર કહે છે કે ઓપરેશન પોલો દરમિયાન આ નાણાં સુરક્ષિતપણે રાખવા માટે પાકિસ્તાની હાઈકમિશનરના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.

બીજી તરફ પાકિસ્તાનની દલીલ છે કે 1948માં હૈદરાબાદના ભારતમાં વિલય દરમિયાન પાકિસ્તાને ભૂતપૂર્વ નિઝામને ઘણી મદદ કરી હતી. આ નાણાં તે મદદની અવેજમાં ભૂતપૂર્વ નિઝામે પાકિસ્તાનના લોકોને ભેંટ તરીકે આપ્યા હતા અને તેના કારણે આના પર પાકિસ્તાનનો અધિકાર છે.

હૈદરાબાદની જૂની હવેલીના મસરત મહેલમાં રહેલા નિઝામ સંગ્રહાલયમાં સાતમા નિઝામ સાથે જોડાયેલી ઘણી કિંમતી ચીજો છે.

પોલ હેવિટ્ટે ક્હ્યુ છે કે 2016માં પાકિસ્તાને દલીલ રજૂ કરી હતી કે 1947થી 198 વચ્ચે હથિયાર પાકિસ્તાનથી હૈદરાબાદ લાવવામાં આવ્યા હતા. 10 લાખ પાઉન્ડ તેની કિંમત હતી.

જો કે નિઝામના પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી કે પાકિસ્તાનની બંને દલીલોને સાબિત કરવા માટે કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આ રકમ 20 સપ્ટેમ્બર-1948થી રહિમતુલ્લાના લંડન ખાતેના બેંક એકાઉન્ટમાં છે. જો કે સાતમા નિઝામે એફિડેવિટ કર્યુ છે કે તેમને આ ટ્રાન્સફર સંદર્ભે કોઈ જાણકારી હતી નહીં. આ પુરાવાના હજી સુધી પડકારવામાં આવ્યો નથી. તેનાથી એ સંકેત મળે છે કે તે સમયે નિઝામના નાણાં પ્રધાનને લાગ્યું હતું કે તેઓ નિઝામના ભવિષ્ય માટે કેટલાક નાણાં સુરક્ષિત રાખી રહ્યા છે અને આ સંમતિના આધારે રહિમતુલ્લાએ પોતાના ખાતામાં નાણાં મૂકવાની વાત સ્વીકારી હતી.

જ્યારે સાતમા નિઝામને એ વાતનો અંદાજો લાગ્યો કે કદાચ તેઓ પોતાના જીવનકાળમાં આ નાણાં પાછા મેળવી શકશે નહીં, તો તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. તેમણે આ નાણાંને પોતાના ટ્રસ્ટમાં જ જોડી દીધા અને બે ટ્રસ્ટી બનાવ્યા હતા. તેમણે ઘોષણા કરી કે તેમના પછી તેમના વારસદાર તેમના બંને પુત્રો – આઠમા નિઝામ અને તેમના નાના ભાઈ હશે. તેના કારણે હવે આ બંને જ આ પરિવારના તે સદસ્યો છે કે જેમનો અધિકાર આ નાણાં પર છે.

આ એક જટિલ અને ઐતિહાસિક મામલો છે, તેની સાથે તેઓ સીધા જોડાયેલા છે.

હૈદરાબાદના સાતમા નિઝામ ફલકનુમા મહેલામાં રહેતા હતા. જે હવે તાજ ગ્રુપ ઓફ હોટલ્સ હિસ્સો છે.

ડેકન હેરીટેજ સોસાયટીના પ્રમુખ મોહમ્મદ સફીઉલ્લાહે કહ્યુ છે કે 1948માં 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરની વચ્ચે ભારતીય સરકારે ઓપરેશન પોલો ચલાવ્યું હતું, જે સંપૂર્ણપણે હૈદરાબાદ રિયાસતની વિરુદ્ધ એક સૈન્ય અભિયાન હતું. આ અભિયાનમાં ભારતીય સેનાના લગભગ 40 હજાર સૈનિક સામેલ હતા. 17 સપ્ટેમ્બરે હૈદરાબાદે એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી હતી અને તેના પછી ભારતીય સંઘનમાં સામેલ થવાની હામી ભરી હતી.

સફીઉલ્લાહ માને છે કે 350 લાખ પાઉન્ડની આ સમગ્ર રકમના મામલામાં ત્રણ પક્ષકારો-ભારત સરકાર, નિઝામના વારસદારો અને પાકિસ્તાન વચ્ચે ત્રણ હિસ્સામાં સમાનપણે વહેંચી દેવી જોઈએ. કદાચ મામલાનો આ ઉકેલ તમામને સ્વીકાર્ય હશે.