Site icon Revoi.in

 ભારત-ચીન વચ્ચેના વિવાદનો ટૂંક સમયમાં આવી શકે છે અંતઃ 9 કલાકની મંત્રણા બાદ બન્ને દેશો થયા સંમત 

Social Share

દિલ્હીઃ વિતેલા વર્ષ દરમિયાનથી પૂર્વ લદ્દાખના મુદ્દે  ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે આટલા સમય બાદ આ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા બન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીનના ટોચના લશ્કરી કમાન્ડરો વચ્ચે શનિવારે 12 મી રાઉન્ડની મંત્રણા અંગે સેનાએ સોમવારે સંયુક્ત નિવેદન જારી કર્યું છે.

સેના દ્વારા જારી કરેલા બયાનમાં આ બેઠકમાં થયેલી વાતચીતને સકારાત્મક તરીકે જણાવવામાં આવી છે. જોકે, કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. જે પરથી સ્પષ્ટ થાય છે કે એલએસી પર ગતિરોધ હજુ ચાલુ છે અને બેઠકોનો રાઉન્ડ પણ આગળ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠક લગભગ નવ કલાક ચાલી હતી, ભારત-ચીન સૈન્ય વાટાઘાટોના બે દિવસ પછી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક ભારત-ચીન સરહદી વિસ્તારના પશ્ચિમ ક્ષેત્રમાંથી સૈનિકો પાછા ખેંચવા અંગે સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકનો મત ધરાવે છે.

બંને પક્ષોએ બેઠકના આ રાઉન્ડને રચનાત્મક ગણાવ્યa જેણે પરસ્પર સમજણને આગળ વધારી છે. તેઓ હાલના કરારો અને પ્રોટોકોલ અનુસાર બાકીના મુદ્દાઓને ઝડપી ધોરણે ઉકેલવા સંમત થયા છે. વાટાઘાટો અને વાટાઘાટોની ગતિ જાળવવા માટે પણ સંમતિ આપવામાં આવી હતી. બંને પક્ષો LAC સાથે સ્થિરતા સુનિશ્ચિત કરવા અસરકારક પ્રયત્નો ચાલુ રાખવા માટે પણ સંમત થયા.

ઉલ્લેખનીય છે કે આ બેઠક લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ થઈ છે. ભારત તરફથી વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરંતુ ચીન આ બેઠક અંગે વધારે ઉત્સાહ બતાવી રહ્યું ન હતું. પરંતુ આ દરમિયાન, 14 જુલાઈએ એસસીઓ બેઠક દરમિયાન ભારત-ચીનના વિદેશ મંત્રીઓની ખાસ મુલાકાત બાદ બેઠકનો માર્ગ  મોકળો થયો હતો. આ પહેલા 25 જૂને બંને દેશો વચ્ચે રચાયેલા જોઈન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ હતી.