Site icon Revoi.in

UNમાં ભારતે આતંકીઓને સમર્થન આપતા ચીનને ખુલ્લુ પાડ્યું, આતંકી મીરનો ઓડિયો જાહેર કર્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા વીટો મારફતે અવરોધ ઉભો કર્યો હતો. દરમિયાન આજે ભારતે આ અંગે પ્રતિક્રિયા આપીને સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને ભારતે ખુલ્લુ પાડ્યું હતું. તેમજ ભારતે મુંબઈ હુમલામાં સંડોવાયેલા સાજિદ મીરનો ઓડિયો સંયુક્ત રાષ્ટ્રમાં સંભળાવીને ચીનનો અસલો ચહેરો ખુલ્લો પાડ્યો હતો. મીર મુંબઈ હુમલાના આતંકવાદીઓને ઈન્ટ્રક્શન આપતો ઓડિયો ભારતે જાહેર કર્યો હતો.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાની નિંદા કરી હતી. તેમજ ભારતે યુએનમાં પાકિસ્તાન અને ચીન બંનેને અરીસો બતાવ્યો. ભારતે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ સંભળાવી ચીનના આતંકવાદી તરફી વલણને દુનિયા સામે જાહેર કર્યું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જે ઓડિયો ક્લિપ સંભળાવી છે તેમાં આતંકવાદી સાજિદ મીર તેના અન્ય આતંકવાદીને ગોળી મારવા કહેતો સાંભળી શકાય છે. આતંકવાદી સાજીદ મીરની વાત સાંભળ્યા બાદ સામે બીજો આતંકવાદી જવાબમાં કહે છે કે ઈન્શાઅલ્લાહ….

આતંકવાદી સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક છે. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા બદલ અમેરિકાએ મીરના માથા પર 5 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું છે. આ વર્ષે જૂનમાં, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે તેને ટેરર ​​ફંડિંગ કેસમાં 15 વર્ષથી વધુની જેલની સજા સંભળાવી હતી. ભારતે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે યુએનમાં પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીને બ્લોક કરી દીધો હતો. મુંબઈ હુમલામાં સંડોવાયેલા કુખ્યાત મીરની સામે પોલીસ પાસે અનેક પુરાવા ઉપલબ્ધ છે.