Site icon Revoi.in

પાકિસ્તાન બન્યાના 73 વર્ષે સિંધમાં પુષ્પા કોહલી બની પહેલી હિંદુ મહિલા પોલીસ અધિકારી!

Social Share

પાકિસ્તાન પ્રોવિન્સિયલ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉત્તીર્ણ થઈને સિંધ પોલીસમાં પહેલી વખત એક હિંદુ મહિલા અધિકારી બની છે.

જીઓ ન્યૂઝ પ્રમાણે પુષ્પા કોહલી નામની હિંદુ મહિલા સિંધમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરના પદે નિયુક્તિ પામી છે.

મંગળવારે આ ન્યૂઝ સૌથી પહેલા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ કપિલ દેવે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યા હતા.

ટ્વિટમાં તેમણે કહ્યુ હતુ કે સિંધ પોલીસમાં પુષ્પા કોહલી પહેલી હિંદુ મહિલા તરીકે સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પ્રોવિન્સિયલ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉત્તીર્ણ થઈને એએસઆઈ બની છે. તેને વધુ શક્તિ મળી.

જાન્યુઆરીમાં સુમન પવન બોડાની નામની પાકિસ્તાની હિંદુ મહિલાને સિવિલ અને જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્તિ મળી હતી.

સિવિલ જજ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિયુક્તિના મેરીટ લિસ્ટમાં સુમન પવન બોડાની 54મા ક્રમાંકે હતી. તે સિંધના શાહદાકોટ વિસ્તારમાંથી આવે છે.

બોડાનીએ કહ્યુ હતુ કે તે સિંધના અવિકસિત વિસ્તારમાંથી આવે છે અને અહીં તેણે ઘણાં પ્રકારના પડકારોનો સામનો કર્યો છે.

પાકિસ્તાનમાં તાજેતરમાં શીખ અને હિંદુ યુવતીના અપહરણ કરીને બળજબરીથી ધર્માંતરણ કરીને નિકાહ કરવાના અહેવાલો વચ્ચે સિંધમાં પહેલી હિંદુ મહિલાના પોલીસ અધિકારી બનવાના અહેવાલ આવ્યા છે. પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે. પાકિસ્તાનમાં 75 લાખ હિંદુઓ રહેતા હોવાનો સત્તાવાર અંદાજ છે. જ્યારે હિંદુ સમુદાયના માનવા પ્રમાણે પાકિસ્તાનમાં 90 લાખ હિંદુઓ વસવાટ કરે છે. જો કે પાકિસ્તાન સરકાર સતત હિંદુઓની વસ્તીના આંકડાને છૂપાવતી રહી છે.

પાકિસ્તાનમાં સૌથી વધુ હિંદુઓ સિંધમાં વસવાટ કરે છે અને તેમની સિંધમાં વસ્તી 17 ટકા જેટલી છે.