Site icon Revoi.in

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારત રશિયા પાસેથી ન્યૂક્લિયર એટેક સબમરીન લેશે લીઝ પર, 21 હજાર કરોડની થશે ડીલ

Social Share

ભારત અને રશિયા વચ્ચે આ સપ્તાહે ત્રણ અબજ ડોલર એટલે કે 21.24 હજાર કરોડ રૂપિયાની એક મહત્વની સંરક્ષણ ડીલ થવાની છે. ભારતીય નૌસેના રશિયા પાસેથી ન્યૂક્લિયર એટેક સબરમરીન લીઝ પર લેવાની છે. અકુલા ક્લાસની આ સબમરીનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે.

આના પહેલા ભારત રશિયા પાસેથી આવી બે સબમરીનો લીઝ પર લઈ ચુક્યું છે.  આ ડીલ ભારત અને રશિયા વચ્ચે થયેલી મોટી ડીલમાં સામેલ હશે. આના પહેલા ભારત અને રશિયા વચ્ચે એસ-400 ડિફેન્સ ડીલ પર અમેરિકા ભારતને સંતુલિત શબ્દોમાં ચેતવણી આપી ચુક્યું છે. તો હવે અકુલા ક્લાસ ન્યૂક્લિયર એટેક સબમરીનની ડીલ પર પણ અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ફરીથી ભારત પર દબાણ કરવામાં આવે તેવી શક્યતા છે.

અમેરિકાની સબમરીન સાથે મુકાબલો

ખુદને રડારથી બચાવવામાં અને એટેક કરવાના મામલામાં અકુલા સબમરીન અમેરિકાની નવી સબમરીનોને ટક્કર આપનારી માનવામાં આવે છે. આ સબમરીનમાં ન્યૂક્લિયર રિએક્ટર લગાવવામાં આવેલા છે. પરંતુ આમા પરંપરાગત હથિયારો પણ હશે. આ સબમરીનના મળ્યા બાદ ભારતની ક્ષમતામાં વધારો થશે.  આ સબમરીન લાંબા સમય સુધી પાણીની નીચે રહી શકે છે. જેનાથી તેને ડિટેક્ટ કરવી લગભગ અશક્ય  છે. તેની સાથે જ દુશ્મનના જહાજ અથવા સબમરીન માટે પણ તે ખતરો બની શકે છે.

એસ-400ના કોન્ટ્રાક્ટ બાદ સૌથી મોટી ડીલ

ગત વર્ષ ભારત અને રશિયા વચ્ચે 5.5 અબજ ડોલર એટલે કે 38.9 હજાર કરોડ રૂપિયામાં એસ-400ની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદની આ સૌથી મોટી ડીલ થવા જઈ રહી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ ડીલ સાતમી માર્ચે થાય તેવી શક્યતા છે. રશિયન શિપયાર્ડમાં તેના પર કામ કરવામાં આવશે, બાદમાં આ સબમરીન 2025 સુધી તૈયાર થશે. ભારતને સોંપણી પહેલા ચક્ર-3 સબમરીનમાં ભારતીય કમ્યુનિકેશન સિસ્ટમ અને સેન્સર પણ ફિટ કરવામાં આવશે.

ચક્ર-2ની લીઝ પણ લંબાવાશે

ચક્ર-2ની લીઝ 2022માં સમાપ્ત થઈ રહી છે. તેવામા અનુમાન કરવામાં આવે છે કે ચક્ર-3ના મળતા પેલા સુધી તેની લીઝ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવે તેવી શક્યતા છે. ચક્ર-3ને નૌસેનામાં સામેલ કરાયા બાદ તે ચક્ર-2નું સ્થાન લેશે. ચક્ર-3 લગભગ દશ વર્ષ સુધી સેવારત રહેશે. આ પહેલા ભારતે રશિયા પાસેથી 1988માં આઈએનએસ ચક્રને ત્રણ વર્ષની લીઝ માટે લીધી હતી. બીજી સબમરીનને 2012માં નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી.