Site icon Revoi.in

વિશ્વને દિશા આપવામાં ભારત મહત્વનો ભાગ ભજવશે : US કાઉન્સેલર જનરલ માઇક હેંકી

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10 માં સંસ્કરણનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી શુભારંભ બાદ પ્રથમ દિવસે યુ. એસ. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)કન્ટ્રી સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં મુંબઈમાં યુ.એસ. કાઉન્સેલર જનરલ માઇક હેંકીએ જણાવ્યું કે, અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે જેટલા ઉચ્ચસ્તરીય અને ઉષ્માસભર સંબંધો છે, એવા મે ક્યારેય નથી જોયા. બંને દેશો વચ્ચે સતત દ્વિપક્ષીય મુલાકાતો યોજાઈ રહી છે. જેના થકી ભારત અને યુ.એસ વચ્ચે વધુ પ્રગાઢ સંબંધો બન્યા છે. વ્યાપાર તેમજ સામાજીક ક્ષેત્રે ભારત જે કરવા જઈ રહ્યું છે, તે આવનારા સુવર્ણકાળમાં વિશ્વને દિશા આપવામાં મહત્વનો ભાગ ભજવશે. ડિફેન્સ, સ્પેસ, સેમિ કન્ડકટર ક્ષેત્રે વિકાસ ઉપરાંત બંને દેશોના પ્રબુદ્ધ નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ભારત અને યુ.એસ.ની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને યુ.એસ. વચ્ચે ઘનીષ્ઠ વ્યાપારી સંબંધ છે. ભારતના સ્પેસ ક્ષેત્રે થઈ રહેલા વિકાસમાં અમેરિકા  ભાગીદાર થવા ઉત્સુક છે. અભ્યાસ અને સંશોધન માટે અમેરિકાએ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના પરિણામે યુ.એસ.માં 2.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની ઉજ્જવળ કારકીર્દી બનાવી રહ્યા છે.

પરિસંવાદમાં ભારત અને યુ.એસ.માં કામ કરતી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને આજના સમયમાં બંને દેશોના સંબંધો મજબુત થવાથી શિક્ષણ, ઉત્પાદન, આરોગ્ય, આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ, અવકાશ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કેટલું પરિવર્તન આવ્યું છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. અદાણી ગ્રીન એનર્જીના CEO અમિત સિંધે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છના ખાવડા ખાતે નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી બની રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વિશે માહિતી આપી હતી.

આ પરિસંવાદમાં માઈક્રોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ રામામુર્થીએ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રના વિકાસ અને દેશમાં ઉપલબ્ધ કૌશલ્ય થકી દેશની વિકાસયાત્રા સંદર્ભે વિગતે ચર્ચા કરી હતી. આગામી સમયમાં ભારતની સેમિ કન્ડક્ટર અને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સી ક્ષેત્રે પ્રગતિ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત 2024 નું સ્લોગન ગેટ વે ટુ ધ ફ્યુચર સાચા અર્થમાં ચરિતાર્થ થશે. જે આગામી સમયમાં ગુજરાત સેમી કન્‍ડક્ટર ઉત્પાદનના હબ તરીકે ઉભરી આવવાની સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાત સરકારના વ્યુહાત્મક લક્ષ્યને પરિસંવાદમાં સુમેરે ઉજાગર કરવામાં આવ્યો હતો.

આ પરિસંવાદમાં USIBCના મેનેજિંગ ડિરેક્ટર એલેક્ઝાન્ડર સ્લેટરે સ્વાગત પ્રવચન આપીને ભારત અને અમેરિકા વચ્ચે વિકસી રહેલા સંબંધો વિશે માહિતગાર કર્યા હતા.  ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના ડિરેક્ટર  દિનેશ રેડ્ડી મુસુકુલા,  USC માર્શલ રેન્ડલ આર. કેન્ડ્રીક ગ્લોબલ સપ્લાય ચેન ઇન્સ્ટિટ્યુટના ફાઉન્ડિંગ એક્ઝી. ડિરેક્ટર ડૉ. નિક વ્યાસ અને ટેક મહિન્દ્રાના ચીફ સ્ટ્રેટેજી ઓફિસ તરફથી  જગદીશ મિત્રા સહભાગી થયા હતા. આ પરિસંવાદનું સંચાલન USIBCના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી રૂપા મિત્રાએ કર્યું હતું.