- સેના પ્રમુખ સત્તાવાર નેપાળની 5 દિવસીય મુલાકાતે
- શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
- સેનામાં ભરતીની પ્રક્રિયા બાબતે થશે ચર્ચા
દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુરામ શર્માના આમંત્રણ પર પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે રવિવારે નેપાળ પહોંચ્યા હતા.અહી તેઓને સાત દાયકા જૂની પરંપરાને ચાલુ રાખતા, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેને સોમવારે કાઠમંડુમાં એક કાર્યક્રમમાં નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી દ્વારા ‘નેપાળી સેનાના જનરલ’ની માનદ પદવી એનાયત કરવામાં આવશે.
આ દરમિયાન તેઓ પાડોશી દેશના નાગરિક અને સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે.કાઠમંડુમાં જનરલ પાંડેની ચર્ચામાં અગ્નિપથ યોજના હેઠળ નેપાળના ગોરખા સૈનિકોને ભારતીય સેનામાં સામેલ કરવા વિશે પણ વાતચીત થઈ શકે છે.
એક રિપોર્ટ મુજબ નેપાળે ભારતને કહ્યું છે કે નવી યોજના હેઠળની ભરતી હાલની જોગવાઈઓ અનુસાર નથી. સેનાએ કહ્યું કે જનરલ પાંડે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભંડારી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળશે અને નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુરામ શર્મા સાથે વિસ્તૃત ચર્ચા કરશે તેમજ નેપાળના વરિષ્ઠ સૈન્ય અને નાગરિક નેતાઓને પણ મળશે.
ઉલ્લેખનીય છે કે નેપાળી યુવાનો પણ લાંબા સમયથી ભારતીય સેનામાં ભરતી થયા છે પરંતુ હવે નવી યોજનાને કારણે ભારત જવા માટે ખચકાય છે. નેપાળ સરકારે ભારત તરફથી વિનંતી કરેલી ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી નથી.નેપાળી અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળ અને ભારત વચ્ચેના અન્ય નિયમિત સૈન્ય અને સંરક્ષણ મુદ્દાઓ ઉપરાંત, અગ્નિપથ યોજના પર પણ મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવશે.
કાર્યક્રમ અનુસાર, પાંડે નેપાળ આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લેશે જ્યાં તેઓ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે અને નેપાળી સેનાના વરિષ્ઠ નેતૃત્વ સાથે વાતચીત કરશે. તે ભારતીય સેના તરફથી ભેટ તરીકે નેપાળ આર્મીને 10 આર્મર્ડ કર્મચારી કેરિયર્સ સોંપશે.આ સાથે જ પાંડે તેમની શિવપુરીની મુલાકાત દરમિયાન નેપાળી આર્મી કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના વિદ્યાર્થી અધિકારીઓ અને ફેકલ્ટી સાથે પણ વાતચીત કરશે. તેઓ 6 સપ્ટેમ્બરે વડાપ્રધાન દેઉબાને પણ મળવાના છે.