Site icon Revoi.in

પોરબંદર નજીક દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન, બોટ સાથે 10 પાકિસ્તાની પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. પાકિસ્તાનની સીમા નજીક હોવાથી ગુજરાતનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. તાજેતરમાં દરિયા કાંઠેથી ડ્રગ પકડાતા બાદ મરીન પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ કોસ્ટગાર્ડ પણ સતત પેટ્રોલિંગમાં રહે છે. ત્યારે કોસ્ટ ગાર્ડે ગુજરાતના સમુદ્રમાંથી 10 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાકિસ્તાની બોટ ‘યાસીન’માં સવાર હતા. આ ઘટના 8 જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે કોસ્ટ ગાર્ડે તમામને પકડી લીધા હતા. બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની બોટ પકડાઈ હોય. આ પહેલા પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. જેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા

સૂત્રોના જણાવ્યા મુજબ  કોસ્ટગાર્ડ પોરબંદર નજીક દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે એક પાકિસ્તાની બોટ જોવા મળતા કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટને ઘેરી લઈને 10 પાકિસ્તાની નાગરિકોને દબોચી લીધા હતા. બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ છે. આ પહેલા પણ શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSFએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી.

સૂત્રોના કહેવા મુજબ, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવીને ડ્રગ્સ અને નશાકારક દવાઓનો સપ્લાય કરે છે.  ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાતના દરિયા કિનારા નજીકથી પાકિસ્તાનની બોટમાંથી 400 કરોડ રુપિયાનુ હેરોઈન પકડાયુ હતુ. આ હેરોઈનનુ વજન 77 કિલો જેટલું હતુ. બોટના 6 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બોટનુ નામ અલ હુસૈની હતુ અને તે પાકિસ્તાની બોટ હતી. તે વખતે ગુજરાતના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ આપોરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. .