Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ

Social Share

મુંબઈ : ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસ સંક્રમણનો કેસ આવવાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોનાવાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે બંને ટીમોને આઈસોલેટ કરવામાં આવી છે અને હવે તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આજે યોજાનારી સિરીઝની બીજી ટી -20 મેચ મોકૂફ રાખવામાં આવી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ,ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પોઝીટીવ આવ્યા બાદ બંને ટીમો આઈસોલેશનમાં છે અને જો બધુ બરાબર ચાલે છે, તો આ મેચ બુધવારે 28 જુલાઈએ રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે અને તેની છેલ્લી મેચ ગુરુવાર 29 જુલાઈએ રમાશે.

ટીમ ઇન્ડિયાના આ પ્રવાસમાં કોરોના સંક્રમણના કેસને કારણે પહેલા પણ વિક્ષેપ થયો છે. 13 જુલાઈએ વનડે સિરીઝ શરૂ થયાના બે દિવસ પહેલા શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફલાવર અને ડેટા એનાલિસ્ટ સંક્રમિત જાણવા મળ્યા હતા, જેના કારણે આખું શેડ્યૂલ બદલાયું હતું અને 18 જુલાઈથી વનડે સિરીઝ શરૂ થઈ હતી. તે જ સમયે, 25 જુલાઇએ પ્રથમ ટી 20 મેચ પહેલા, કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમના પ્રેસ બોક્સમાં પણ સંક્રમણનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, તે મેચ પર તેની કોઈ અસર થઈ નહોતી.

Exit mobile version