Site icon Revoi.in

ભારતીય હોકી ટીમનો આર્જેન્ટિના પ્રવાસનો જીતની સાથે પ્રારંભઃ ખેલાડીઓમાં નવો ઉત્સાહ

Social Share

દિલ્હીઃ ભારતીય હોકી ટીમ અત્યારે આર્જેન્ટિનાના પ્રવાસે છે. અહીં ભારત અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓલિમ્પિક્સ ચેમ્પિયન આર્જેન્ટિનાને પરાજય આપીને ભારતે જીત સાથે પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમની ગતિ ધીમી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં ભારતે વેગ પકડયો હતો.

ભારત તરફથી નીલકાંતા શર્માએ 16મી મિનિટ, હરમનપ્રીત સિંઘે 28મી મિનિટ, રુપિન્દરપાલ સિંઘે 33મી મિનિટ અને વરુણકુમારે 47મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે આર્જેન્ટિના તરફથી લીન્ડ્રો ટોલિનીએ 35 અને 53મી અને મૈકો કસેલાએ 41મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતના પ્રથમ ગોલમાં શીલાંદ લાકરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેને સર્કલની અંદર નીલકાંતાના સ્વરૃપમાં મહત્ત્વની મદદ મળતા ભારતે પહેલો ગોલ નોંધાવ્યો હતો. આર્જેન્ટિનાએ વળતું આક્રમણ કરી પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો, પરંતુ અનુભવી ગોલકીપર પીઆર શ્રીજિશે શાનદાર રીતે ગોલ બચાવ્યો હતો. આર્જેન્ટિનાએ 53મી મિનિટે ગોલ ફટકારીને સરસાઈ ઘટાડી હતી, પરંતુ તે મેચ ડ્રો કરી શક્યું ન હતું.

ભારતીય કોચ ગ્રેહામ રીડે જણાવ્યું હતું કે આ ઘણી સારી પ્રેક્ટિસ મેચ હતી. બંને ટીમો વચ્ચે જબરજસ્ત સંઘર્ષ જોવા મળ્યો હતો. ઓલિમ્પિક્સ ચેમ્પિયન આર્જેન્ટિના સામે વિજય મેળવવાથી કોઈપણ ટીમના આત્મવિશ્વાસમાં વધારો થાય. આમ ભારતની મેન્સ હોકી ટીમે ઓર્જેન્ટિનાના પ્રવાસનો હકારાત્મક પ્રારંભ કર્યો છે.